અમદાવાદઃ ગુજરાતમાં જંતુનાશક દવા પીને આત્મહત્યાનાં બનાવો રોકવા માટે મહેસાણા જિલ્લાનાં ૧૫૫ ગામોમાં અનોખો ‘સ્પિરિટ’ પ્રોજેક્ટ શરૂ થયો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત જંતુનાશક દવાઓને ૫૩૦૦ જેટલા લોકરોમાં પૂરીને રખાય છે. ગામોમાં ગુસ્સામાં કે ક્ષણિક આવેગમાં આવીને આત્મહત્યા કરવા માટે ઘરમાં કે ખેતરમાં પડેલી દવા હાથવગી હોવાથી લોકો આત્મહત્યા કરી લેતાં હોય છે. આ આત્મહત્યાઓ રોકવા આ પ્રોજેક્ટ શરૂ થયો છે.
ઉત્તર ગુજરાતનાં ધરોઇ ગામના સરપંચ અને ખેડૂતઓએ જણાવ્યું કે, એક વર્ષ પહેલાં પ્રોજેક્ટ શરૂ થયો હતો. એ પછી ગામમાં જંતુનાશકથી કોઇ અનિચ્છનીય બનાવ નથી બન્યો. ખેડૂત ધનાજી ભાટીએ જણાવ્યું હતું કે, આત્મહત્યા રોકવાનો આ પ્રયાસ ખૂબ જ અસરકારક છે. આ પ્રોજેક્ટ વિશે ગુજરાતનાં સ્ટેટ પ્રોગ્રામ ઓફિસર (મેન્ટલ હેલ્થ) ડો. અજય ચૌહાણે જણાવ્યું હતું કે, લોકરમાં બે ચાવી હોય છે. એક ચાવી ખેડૂત કે દવાનાં માલિક પાસે જ્યારે બીજી કેર ટેકર પાસે રહે છે. રજિસ્ટર્ડમાં એન્ટ્રી પછી દવા મળે છે.
નેશનલ ક્રાઇમ રેકોર્ડઝ બ્યુરોનાં ૨૦૧૯નાં આત્મહત્યાનાં આંકડા પર નજર નાંખીએ તો દેશમાં ૩૫૮૮૨ લોકોએ વિવિધ પોઇઝનિંગથી આત્મહત્યા કરી, જ્યારે ૬૯૬૨ લોકોએ જંતુનાશક દવા પીને આત્મહત્યા કરી હતી.