મહેસાણાઃ ૯ વર્ષની કેસર પ્રજાપતિ મહેસાણાની એક શાળામાં ચોથા ધોરણની વિદ્યાર્થિની છે, પણ ગુજરાતની આ બાળકીએ એક વક્તા તરીકે ઓળખ ઊભી કરી છે. તે સ્ત્રી ભ્રૂણહત્યા રોકવા ‘બેટી બચાવો-બેટી પઢાવો’ સંદેશ અંગે લોકોને જાગૃત કરે છે. તે ૬ મહિનામાં ૫૧ મંચ પરથી લોકોને સંબોધી ચૂકી છે.
આટલી નાની ઉંમરમાં આટલી મોટી વાત પર બોલતી કેસર અત્યાર સુધીમાં ૬૫ વખત સન્માનિત થઈ ચૂકી છે. તાજેતરમાં ગાંધીનગરમાં ૨૫ હજાર લોકોની હાજરીમાં કેસરે આ મુદ્દે લોકોને દીકરીઓને સશક્ત બનાવવાની અપીલ કરી તો મુખ્ય પ્રધાન વિજય રૂપાણી એટલા પ્રભાવિત થયા હતા કે તેમણે તેને ત્યાં જ સન્માનિત કરી હતી. કેસર પોતાની આ ઓળખનું શ્રેય પિતા અલ્પેશભાઈને આપે છે. તેનું કહેવું છે કે મારા પ્રથમ વક્તવ્યથી અત્યાર સુધી તમામ ભાષણોમાં પપ્પાએ મને હંમેશા હિંમત આપી, જેથી મને સ્ટેજ પર ક્યારેય ડર નથી લાગ્યો.