મહેસાણાઃ નગરપાલિકાએ મહેસાણાના એરોડ્રામનો ભોગવટો કરતી અમદાવાદ એવિએશન એન્ડ એરોનોટિક્સ લી. કંપનીના બાકી નીકળતાં રૂ. ૫.૬૨ કરોડના વેરા મુદ્દે એરોડ્રામને તાજેતરમાં સીલ માર્યું હતું અને હેંગરમાં પડેલા વિમાનને કચરાની ગાડી સાથે બાંધી હતી તે બાબત ચર્ચાનો મુદ્દો બન્યો છે. નગરપાલિકા પ્રમુખ પણ વિમાનને બાંધેલી રસ્સી પકડીને ઉભા હતા તેથી વાત વધુ વકરી હતી.
મહેસાણા હાઈવે પરના એરોડ્રામનું બિલ મહેસાણાના કલેક્ટર દ્વારા ગુજરાત સરકાર પર જારી કરવામાં આવે છે. તેમાં અમદાવાદ એવિએશન એન્ડ એરોનોટિક્સને ભાગીદાર દર્શાવાઈ છે.
૨૫મી જૂન, ૨૦૧૮ના રોજ બિલમાં પાછલી ભરપાઈ ન થયેલી રકમ રૂ. ૫ કરોડ ૯ લાખ ૭૭ હજાર ૨૨૧ અને આ વર્ષની રૂ. ૫૩ લાખ ૨ હજાર ૯૩૭ સહિત કુલ ૫ કરોડ ૬૨ લાખ ૮૦ હજાર ૧૫૮ રૂપિયા સહિત ચૂકવવાની બાકી ગણાવાઈ છે.
નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામ સોલંકી અનુસાર, મહેસાણા એરોડ્રામને ૨૦મી જુલાઈએ સીલ કર્યું હતું. તેની સાથે એક ફોર સીટર પ્લેનને પણ કચરા ઉઠાવવાના વાહન સાથે સાંકળથી બાંધીને સીલ કરી દેવાયું હતું. સોલંકીએ જણાવ્યું કે પાછલા કેટલાય વર્ષોમાં કર ન ચૂકવવાના કારણે એરોડ્રામને ત્રીજી વખત સીલ કરવામાં આવ્યું છે. ઉપરાંત કર વસૂલાતની નોટિસ પણ ચોંટાડવામાં આવી છે.
ગેરકાયદે પાયલટ ટ્રેનિંગ
કહેવાય છે કે એરોડ્રામ પરિસરમાં ગેરકાયદેસર રીતે તંબુ નાંખીને કંપની તરફથી યુવાનોને મહેસાણા નગરપાલિકા વિસ્તારમાં વર્ષ ૨૦૦૭થી શિક્ષણ પણ આપવામાં આવતું હતું. એ પછી નગરપાલિકા તરફથી હાઈકોર્ટમાં આ મામલા અંગે અરજી પણ આપવામાં આવી એ પછી કોર્ટના હુકમથી દંડની રકમ રૂ. ૭૫ લાખ પાલિકાને મળી હતી. એ પછી રૂ. ૩૦ લાખના બે ચેક બાઉન્સ થવાના કારણે કોર્ટે આદેશ કરેલી રકમ પાલિકાને મળી નહીં. આ કારણે એરોડ્રામ સીલ કરીને બાકી રકમ ભરપાઈ કરવાની નોટિસ લગાવવામાં આવી છે.
કંપનીની દલીલ
અમદાવાદ એવિએશન એન્ડ એરોનોટિક્સ કંપની દ્વારા જણાવવામાં આવ્યું છે કે અમદાવાદ કરતાં પણ વધુ કર મહેસાણા પાલિકા દ્વારા વસૂલાય છે. કંપની તરફથી એરોડ્રામ પર પાયલટ ટ્રેનિંગ સેન્ટર અહીં ચાલતું હતું. પહેલી વખત નોટિસ જારી કરાયા પછી જવાબ ન આપવાથી અને બે વખત ચેક બાઉન્સ થવાથી કંપની કેસ હારી ગઈ. જોકે વિદ્યાર્થીઓના ભવિષ્ય અંગે પ્રશ્નો થવાથી અગાઉ સીલ ખોલી દેવાયું હતું. આ વખતે પણ કંપની દ્વારા જગ્યા સીલ થયા પછી શું થઈ શકે એ અંગે વિચારણા ચાલે છે.