પાલનપુરઃ ભારતવર્ષની 51 શક્તિપીઠો પૈકીની એક અંબાજી મંદિર ખાતે પ્રતિ વર્ષ લાખો શ્રદ્ધાળુઓ દેશ-વિદેશથી મા અંબાનાં દર્શન કરવા પધારે છે. આ તમામ માઇભક્ત શાંતિથી દર્શન કરી શકે તેવી વ્યવસ્થા કરવા સરકારે કવાયત હાથ ધરી છે. સમગ્ર આયોજનના ભાગરૂપે વર્તમાન મંદિરના કેન્દ્રબિંદુથી 75 મીટરની ત્રિજ્યામાં ચાચરચોકનું વિસ્તૃતિકરણ કરવાનો નિર્ણય લેવાયો છે. આ નિર્માણ કાર્ય ભારત સરકારની પ્રસાદ યોજના હેઠળ હાથ ધરવામાં આવશે, જેમાં રૂ. 500 કરોડ જેટલા ખર્ચનો અંદાજ મૂકાઇ રહ્યો છે. સૂચિત પ્લાનને અમલમાં મૂકવા માટે મંદિરની આસપાસ આવેલી 19 ધર્મશાળાઓ, 4 ગેસ્ટ હાઉસ, 88 દુકાનો, 4 રહેઠાણ, 9 ખુલ્લા પ્લોટ, એક જાહેર ટોયલેટ, એક ખાનગી સ્કૂલ અને 4 મંદિરો સહિત કુલ 6209.02 ચોરસ મીટર જમીનનું સંપાદન કરાશે.