પાલનપુરઃ શક્તિપીઠ અંબાજીમાં ૨૩મી જાન્યુઆરીએ ભાવિકો દ્વારા જગતજનની મા અંબાના પ્રાગટયોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરાઈ હતી. પોષી પૂનમના પાવન દિવસે વહેલી સવારથી મોડી રાત સુધી અઢી લાખથી વધુ ભક્તો અંબા માતાના દર્શન માટે ઉમટી પડયા હતા.
વહેલી સવારે માની આરતી થયા બાદ સવારે અગિયાર વાગે અંબાજીમાં માની શોભાયાત્રા નીકળી હતી અને ‘બોલ મારી અંબે... જય જય અંબે’ના નાદ સાથે ચાચર ચોક ગૂંજી ઉઠયો હતો. શોભાયાત્રામાં માતાજીનો રથ-અખંડ જ્યોત-માતાજીની બગી દર્શનાર્થીઓ માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર રહ્યા હતા. શોભાયાત્રામાં ૨૧૦૦ કિલો સુખડીના પ્રસાદનું વિતરણ કરાયું હતું. આ ઉપરાંત ૧૫ હજાર લોકોએ વિના મૂલ્યે ભોજનનો લાભ લીધો હતો.
આ પ્રસંગે યોજાયેલા યજ્ઞનો ૭૫ યજમાનોએ લાભ લીધો હતો તેમજ ૧૫૦થી વધુ સંઘ દ્વારા ધજા ચડાવવામાં આવી હતી. આ દિવસે અંબાજી મંદિર દ્વારા તૈયાર કરાયેલા ૧૧ હજાર કિગ્રા બુંદીના લાડુ અને ૬૧ ફૂટ લાંબી અગરબત્તીને ગિનિસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ તેમજ એશિયા બૂક ઓફ રેકોર્ડ્ઝમાં સ્થાન મળ્યાની જાહેરાત કરવામાં આવી હતી. આ ઉપરાંત એવી જાહેરાત પણ થઈ હતી કે, ૨૫ હજાર દીવડાની આરતીને ઇન્ડિયા બૂક ઓક રેકોર્ડ્ઝમાં સ્થાન મળ્યું છે.