હિંમતનગરઃ ઓગસ્ટ-૨૦૧૪માં છત્તીસગઢ રાજ્યના બિજાપુર જિલ્લામાં થયેલા નક્સલી હુમલામાં સાબરકાંઠાના વિજયનગર તાલુકાના કોડિયાવાડા ગામનો ૨૨ વર્ષીય યુવાન જિજ્ઞેશ વાઘજીભાઈ પટેલ શહીદ થઈ ગયો. તમને નવાઈ લાગશે કે કોડિયાવાડા દેશપ્રેમીઓની ભૂમિ છે અને અહીંની ત્રીજા ભાગની વસ્તી દેશની સેવામાં જોડાયેલી છે. આ ગામનાં બાળકો પણ કોઈ પ્રશ્ન કરે કે તું મોટો થઈને શું બનીશ? તો તેનો એકમાત્ર જવાબ હોય છે કે સૈનિક બનીને દેશની સેવા કરીશ... કોડિયાવાડામાં એવા તો એનેક ઘર છે કે જેનીચાર પેઢી દેશસેવામાં જોડાઈ ગઈ હોય.
આશરે અઢી હજારની વસતી ધરાવતા આ ગામના ૮૦૦થી વધુ યુવાનો ભારતીય સેનામાં છે. અહીં શાળાએ જતાં બાળકનું લક્ષ્ય પણ આર્મીમેન બનવાનું હોય છે. ગામમાં સાક્ષરતા દર ૭૭ ટકા જેટલો છે. ચૌધરી પટેલોની મહત્તમ વસ્તી ધરાવતાં આ ગામમાં આર્મીમાંથી નિવૃત્ત સૈનિકો ગામમાં ખેતી કે શહેરી વિસ્તારોમાં અન્ય નોકરી સાથે બાળકોને આર્મીમાં ભરતી માટે તૈયાર કરે છે.
સુકમામાં સીઆરીપીએફના ૨૬ જવાનોને નક્સલવાદીઓએ મારી નાંખ્યા હતા, પરંતુ નક્સલીઓ કે માઓવાદીઓ સામે લડતા દેશપ્રેમીઓનાં ખમીરમાં ઓટ આવી નથી. કોડિયાવાડાના રહેવાસીઓમાંથી ઘણા કહે છે કે અમારા ગામમાંથી દેશસેવામાં એક શહીદ થશે તો અમે પાંચ જવાનો આર્મીમાં મોકલીશું.
માતાઓને સલામ
આ ગામનાં યુવાનો આર્મીમાં જોડાય છે તેનું શ્રેય તેમની માતાને જાય છે. ઓગસ્ટ ૨૦૧૪માં છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં થયેલા નક્સલી હુમલામાં આ જ ગામનો બાવીસ વર્ષીય યુવાન જિઞ્જેશ વાઘજીભાઈ પટેલ શહીદ થઈ ગયો હતો. તેમ છતાં આ ગામની માતાઓ તેમના પુત્રને આર્મીમાં જોડાવા માટે પ્રોત્સાહન આપે છે.