માલપુર: ધોળેશ્વરમાં રહેતા સુરેશભાઈ ભરાડા પરિવાર સાથે ૨૬મી એપ્રિલે રાત્રે અગિયાર વાગે ઘરે આરામ કરતા હતા. એ સમયે નજીકમાં રહેતા પરિવારના ઘરે બૂમાબૂમ થતાં સુરેશભાઈ ત્યાં ગયા હતા. સુરેશભાઈએ જણાવ્યું કે, ચાર જણા એક યુવકની દાદીને ‘તું ડાકણ છે અને તારો છોકરો પણ ડાકણો છે’ કહીને હેરાન કરી રહ્યાં હતાં. યુવકે ચારેયને દાદીને ડાકણ કહેવાની ના પાડતાં ચારેયે યુવકને ધમકી આપવા સાથે માર માર્યો હતો. સુરેશભાઈ જીવાભાઈ ભરાડાએ માલપુર પોલીસ મથકમાં આ અંગે શંકરભાઈ ચેતનભાઇ ભરાડા, દિલીપભાઈ ચેતનભાઇ ભરાડા, કાળુભાઈ પુનાભાઈ ભરાડા અને લક્ષ્મણભાઈ પુનાભાઈ ભરાડા વિરુદ્ધ યુવકને ધમકી આપવા અને માર મારવા બદલ ગુનો નોંધાવતા માલપુર પોલીસે આગળની કાર્યવાહી કરી છે.