પાલનપુર: પાલનપુર તાલુકાના માલણ ગામે રહેતા પરથીભાઇ માલુણાના પુત્ર અશોક માલુણાએ બ્લુ વ્હેલ ગેમ રમી છેલ્લો સ્ટેજ પાર કરવા બીજીએ અમદાવાદમાં સાબરમતી નદીમાં ઝંપલાવ્યું હતું. યુવકના મૃતદેહને માલણ ગામે લાવી અગ્નિદાહ અપાયો હતો. અશોક ચાર બહેનો વચ્ચે એકનો એક ભાઇ હતો અને વિધવા માતાનો સહારો હતો. અશોકની પત્નીનું બે વર્ષ પહેલાં જ મૃત્યુ થયુ હતુ. અશોક પાંચ દિવસ અગાઉ ઘરેથી રૂ.૫૦ હજાર લઇને પાલનપુર જવાનું કહીને નીકળ્યો હતો, પરંતુ ઘરે પરત ફર્યો ન હતો. જેથી પરિવારે શોધખોળ હાથ ધરી હતી. જોકે સાબરમતી નદી કિનારેથી તેના ઓખળના પુરાવા મળતાં પોલીસે ફોનથી પરિવારને જાણ કરી હતી. અશોક ફેસબુક એકાઉન્ટમાંથી એક લાઇવ વીડિયો મારફતે બ્લુ વ્હેલનો લાસ્ટ સ્ટેપ પૂરો કરતો હોવાનું જણાવ્યું હતું. ‘મૈને બ્લુ વ્હેલ ગેમ્સ ડાઉનલોડ કિયા થા ઔર અબ મેરા લાસ્ટ સ્ટેપ હૈ તો સુસાઇડ કર રહા હું.’ એવું વીડિયોમાં હતું. જોકે પોલીસે જણાવ્યું છે કે, તે બ્લુ વ્હેલ ગેમ રમતો હોય તેના પુરાવા મળ્યા નથી. મોબાઈલમાં ગેમ પણ ઇન્સ્ટોલ થયેલી નહોતી. શરીરે બ્લુ વ્હેલનું ટેટું નથી મળ્યું નથી.