અંબાજીઃ જયપુરના અને ગુજરાતના સુરતમાં પરણેલા શ્વેતા મહેતા મોદી મિસિસ ઈન્ડિયા ૨૦૧૯ બન્યા બાદ ૨૨મીએ સાંજે યાત્રાધામ અંબાજી ખાતે મા અંબાના દર્શન કરવા પોતાના પરિવાર સાથે આવી પહોંચ્યા હતા. શ્વેતાએ પરિવાર સાથે નિજ મંદિરમાં મા અંબાના દર્શન કર્યા હતા અને પોતાને મળેલો તાજ અંબાજીના ચરણોમાં મૂકીને ફરી પહેર્યો હતો. મંદિરના પૂજારીએ માતાજીની ચૂંદડી ઓઢાડી આશીર્વાદ આપ્યા હતા. શ્વેતાએ માતાજીની ગાદી ઉપર ભટ્ટજી મહારાજના આશીર્વાદ લીધાં હતાં અને રક્ષા પોટલી બંધાવી હતી. અંબાજીની મુલાકાત બાબતે શ્વેતા મહેતા મોદીએ જણાવ્યું હતું કે તેઓ જ્યારે મિસિસ ઈન્ડિયા બન્યા ત્યારે અંબાજી આવવાની બાધા રાખી હતી અને તે બાધા પૂરી કરવા માટે તેઓ અંબાજી આવ્યા હતા. શ્વેતાએ જણાવ્યું હતું કે, તેઓ આ સિદ્ધિ હાંસલ કરીને ખુશ છે અને દેશની પુત્રીઓ માટે કંઈક કરવા માગે છે. તેઓ બેટી ફાઉન્ડેશનના હાલ એમ્બેસેડર છે.આ ખિતાબો બાદ દરેક ફિલ્મમાં કે મોડલ તરીકે કારકિર્દી ધપાવે છે તમે પણ આ કારકિર્દી પસંદ કરશો તેવા સવાલના જવાબમાં શ્વેતાએ જણાવ્યું કે પોતાને સારો રોલ મળશે તો ચોક્કસ ફિલ્મોમાં કામ કરશે પણ તેઓ પોતાનું કલ્ચર છોડશે નહીં.