મહેસાણાઃ ઉત્તર ગુજરાતમાં એક એવું સ્થળ છે કે જે જગ્યા પર અકસ્માત બાદ મૃતકોની આત્મા પાણી માગતી હોવાની અંધશ્રદ્ધા છે. આ અંધશ્રદ્ધા એટલી હદે ફેલાઈ છે કે, આજે પણ અહી લોકો પાણીના પાઉચ અને બોટલો ચડાવવા આવે છે. મહેસાણાના મોઢેરાથી પાટણ જતા રોડ પર આવેલી આ જગ્યા પર અહી ભેગી થયેલી લોકોની ભીડ અને અહી પાણીના પાઉચ અને બોટલોના થયેલા ઢગલા જોવા મળે છે. લોકોની માન્યતા મુજબ આ સ્થળ પર પાણી ચડાવવાથી લોકોની માનતા પૂર્ણ થાય છે. અને આવતા જતા લોકો અહી પાણી ચડાવવા ઉભા પણ રહી જાય છે. લોકોને પૂછતા જાણવા મળ્યું કે, અહીં વર્ષ ૨૦૧૩માં એક ખતરનાક અકસ્માત થયો હતો. જે અકસ્માતમાં બહુચરાજી નજીકના ગુંજાલા ગામના છ લોકોનાં કાર અને રિક્ષા વચ્ચે થયેલા અકસ્માતમાં કરુણ મોત થયાં હતાં. અકસ્માતમાં મોતની છેલ્લી ઘડીએ મૃતકોએ પાણી પાણીનો પોકાર લગાવ્યો હતો અને અંતે પાણી તો ના મળ્યું અને આ છ લોકો તરસ્યા જ મૃત્યુ પામ્યા હતાં. બસ ત્યારથી લઈને આજદિન સુધી અહીં આવતા જતા લોકોને એવો ભાસ થાય છે કે કોઈ પાણી માગી રહ્યું છે.
૨૧.૫.૨૦૧૩ના રોજ બહુચરાજીના ગુંજાલાનો પરિવાર પોતાના સગામાં લગ્ન હોવાથી ગુંજાલાથી સુણસર-રાજપુર લક્ઝરી બસમાં રવાના થયા હતા. જાનૈયાઓ માટે તેમાં જગ્યા ઓછી પડતાં ૧૧ વ્યક્તિઓ રિક્ષામાં બેસીને રવાના થઈ હતી. મણિપુરા નજીક એક કાર સાથે આ રિક્ષાને અકસ્માત નડતાં ૧૧માંથી છ જણનાં ઘટનાસ્થળે મોત થયા હતા જ્યારે આ છ જણા તડફડી રહ્યા હતા. તેવામાં ઘટનાના સાક્ષી બનેલા નજીકના એક ફાર્મના ચોકીદાર દોડી આવ્યા હતા. મૃતકો છેલ્લી ઘડીએ પાણી પાણીનો પોકાર કરતા હતા તેમ આ ચોકીદાર જણાવી રહ્યા છે.