મેઘરજ: અરવલ્લિ જિલ્લાના મેઘરજ તાલુકામાં વરસાદને અભાવે પાણીની તીવ્ર તંગી ઊભી થઇ છે. ચોમાસાની સિઝનમાં ઉનાળા જેવી કાળઝાળ ગરમી અને અસહ્ય ઉકળાટ સાથે વરસાદ નહીં પડવાથી આ પંથકમાં પીવાના પાણી અને ઘાસચારાની વિકટ પરિસ્થિતિ પેદા ઊભી થઇ છે. રામગઢી-પિસાલ અને ધાંધિયા-વલુણા સહિતના આદિવાસી વિસ્તારોના નાના ૫૦થી વધુ ગામમાં રોજ ૧૦૦થી વધુ પશુના મોત થતાં પશુપાલકો બેહાલ થઈ રહ્યા છે.
મેઘરજ તાલુકામાં જમીન પથરાળ અને તાલુકાની ખેતી વરસાદ આધારિત હોવાથી ખેડૂતો માટે ગંભીર સ્થિતિ બની છે. અત્યાર સુધીમાં મેઘરજ તાલુકામાં માત્ર સાત ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ગરમીના કારણે તાલુકાના ૨૦૦થી વધુ તળાવો સુકાયા છે.
ઘાસચારા અને પાણીના કારણે તાલુકાના રામગઢી વિસ્તારમાં આવેલ ભુંજરી-મુડસી, વાગરોટા, ડુંગરાગોળ, બચકાદોતી, લાલોડિયા, નેસડા, અગાટિયા, રાયાવાડા, ભૂતિયા, રાજપૂત, સૂરદેવી જેવા સંખ્યાબંધ ગામડાંઓ તેમ જ પીસાલ અને વલુણા ધાંધિયાની આજુબાજુના વિસ્તારોમાં આવેલા ૨૦થી ૪૦ ગામડાઓમાં સંખ્યાબંધ પશુધન રોજબરોજ મોતને ભેટતા હોઈ પશુપાલકો ચિંતાતૂર બન્યા છે.
મેઘરજ તાલુકાની નજીક આવેલી સિંચાઈ યોજનાઓ દ્વારા તળાવો ભરવા માટે ખેડૂતોની ઉગ્ર માંગણી છે. પરંતુ સ્થાનિક વહીવટી તંત્રએ આ ખેડૂતોની માગને સરકાર સુધી પહોંચાડી ન હોવાના કારણે મેઘરજ તાલુકાના તમામ તળાવો ખાલી છે. પશુપાલકો પશુધનને જીવાડવા ૨-૨ કિલોમીટર દૂરથી પાણીની વ્યવસ્થા માટે ફાંફાં મારે છે.