મેઘરજઃ અરવલ્લી જિલ્લાની ગિરિમાળાઓમાં વન્ય પ્રાણીઓ માનવવસ્તી તરફ દેખાતાં પ્રજાજનોમાં ગભરાટ ફેલાયો છે. જુલાઈના પહેલા અઠવાડિયાથી મેઘરજ પંથકમાં વાઘ ફરતો હોવાના સમાચારથી રોડ પરથી પસાર થતા રાહદારીઓમાં ભારે ફફડાટ વધ્યો છે. રાહદારીઓએ વાઘ જોયો હોવાની વાત વહેતી થઈ છે તો વન વિભાગ દ્વારા માનવામાં આવી રહ્યું છે કે તે દીપડો પણ હોઈ શકે છે. જોકે મેઘરજના બેહડજ વિસ્તારમાં ફરતા હિંસક પ્રાણીને પાંજરે પુરવા પાંજરુ પણ મૂકવામાં આવ્યું છે. માલપુર તાલુકાના મેવડા ગામે તાજેતરમાં રાત્રે ગામમાં હિંસક પ્રાણીએ ત્રાટકી વાછરડાનું મારણ કરતા પ્રજાજનોમાં ફફડાટ ફેલાયો છે. માલપુરના જગદીશભાઈ રમણભાઈ પટેલના ઘર આગળ ગમાણમાં બાંધેલા પશુઓમાંથી ગાયની વાછરડીને હિંસક પ્રાણી ખેંચી ગયું હતું. વાછરડીને જંગલમાં લઈ જઈને મારણ કરતાં પશુપાલકો અને ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે તો બીજી તરફ વન્ય વિભાગે એ શોધ ચલાવી છે કે આ દીપડો છે કે વાઘ? ભિલોડા અને શામળાજી પંથકમાં પણ પશુઓનું મારણ થયાના સમાચાર ફેલાયા છે તેથી વન્ય વિભાગ ઘટનાઓની તપાસ કરી રહ્યું છે.