અંબાજીઃ ઘણા સમયથી અંબાજી પંથકમાં વરસાદ ન પડતા વેપારીઓએ સ્વયંભૂ બંધ પાળીને મેઘરાજાને મનાવવા પરિવાર સાથે જંગલમાં વન ભોજન લીધું હતું અને મેઘરાજાને પધારવા વિનવણી કરી હતી.
બનાસકાઠા જિલ્લામાં આ વર્ષે નહીવત વરસાદ થયો છે. તેમાં છેલ્લા ૨૫ દિવસથી આકાશમાં વાદળ જામે છે પણ પાણી પડતું નથી. વાવણીના સમયે વરસાદના થતા પીવાના પાણી સાથે પશુઓ માટે ઘાસચારાની તંગી ઊભી થઇ રહી છે. આ પરિસ્થિતિમાં વરસાદ ખેંચાતા વર્ષોની પરંપરા મુજબ અંબાજીના ગ્રામજનો અને નાના મોટા તમામ વેપારીઓએ ૯ જુલાઇએ સ્વયંભૂ સજ્જડ બંધ પાળ્યો હતો. લોકોએ પરિવાર સાથે જંગલમાં જઈ વનરાજી વચ્ચે વનભોજન માણ્યું હતું. પછી મેઘરાજાને મનાવવા પ્રાર્થના સહિત વિનવણી કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, અધિક અષાઢ મહિનો પૂર્ણ થવાના આરે છે. તેમ છતાં જિલ્લામાં હજુ સુધી વાવણીલાયક પણ વરસાદ થયો નથી.