અમદાવાદઃ ગોધરાકાંડ પછી રાજ્યમાં ફાટી નીકળેલાં તોફાનોમાં કડી નજીકના મેડા આદરજ ગામે પિતા-પુત્રીને જીવતાં સળગાવી દેવાની ઘટનામાં ગુજરાત હાઈ કોર્ટના જસ્ટિસ અનંત દવે અને જસ્ટિસ બી. એન. કારિયાની ખંડપીઠે ૧૧ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. કેસમાં મહેસાણાની ફાસ્ટ ટ્રેક કોર્ટે ૨૭ આરોપીને નિર્દોષ મુક્ત કર્યા હતા.
ઘટનાનો ચિતાર
ત્રણ માર્ચ, ૨૦૦૨ની રાત્રે ૯થી ૧૦ વાગ્યે ૨૦૦થી વધુ લોકોનાં ટોળાએ મેડા આદરજ ગામના કાલુમિયાં સૈયદનું ઘર ઘેરી લીધું હતું. જોકે કાલુમિયાં તેમની પુત્રી હસીના, પત્ની મદીના, ભાઈ ડોસુમિયાં અને ઇનામમિયાં નજીકના કુંભારવાડામાં છુપાયાં હતાં, જેમાંથી કાલુમિયાં અને તેમની પુત્રી હસીનાને ટોળાએ બહાર કાઢીને હથિયારો વડે માર મારી કેરોસીન છાંટી જીવતાં સળગાવી દીધાં હતાં.
આ કેસની સુનાવણી દરમિયાન અરજદાર વતી એવી રજૂઆત કરાઈ હતી કે, ૧૧ પૈકી બે કે ત્રણ આરોપીઓ ક્યાં છે તે મળી આવ્યા નથી. તેથી વધુ એક મુદત આપવી જોઇએ. જોકે સીટ તરફથી એડવોકેટ કમલનયન પંચાલ અને જે એમ પંચાલ દ્વારા એવી રજૂઆત થઈ હતી કે, હાઈ કોર્ટમાં સજા સંભળાવવા માટે આરોપીઓની હાજરીની જરૂરી નથી. આરોપીઓ સામે ગંભીર ગુનો છે તેમજ પૂર્વ આયોજિત કાવતરામાં નિર્દોષોની હત્યા થઇ હતી. ભોગ બનેલા તરફથી એડવોકેટ ઇકબાલ શેખે આરોપીઓને ફાંસીની સજાની માગ કરી હતી.
દોષિતોની યાદી
પટેલ મુકેશ, પટેલ નરેન્દ્ર, પટેલ દિનેશ, પટેલ ગિરીશ, પટેલ મુકેશ, પટેલ નિલેશ, પટેલ જનક, પટેલ ગિરીશ,પટેલ મુકેશ, પટેલ કિરીટ ચંદુભાઈ, પટેલ કિરીટ સોમાભાઈ.