અમદાવાદઃ થોડા વર્ષો અગાઉ ભારતના અનેક શહેરોમાં ત્રાસવાદીઓ દ્વારા બોમ્બ વિસ્ફોટની ઘટના ઘટી હતી. આ હિંમતનગર નજીકના મોડાસાના સૂકાબજાર ખાતે વિસ્ફોટ થયો હતો. જે સમગ્ર કેસની સાત વર્ષની તપાસના અંતે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ માત્ર ત્રણ શંકાસ્પદોની પૂછપરછ કરી હતી. પરંતુ તેમાં કોઈ ફળદાયી વિગતો ન મળતાં તેનો ક્લોઝર રિપોર્ટ સ્થાનિક કોર્ટમાં આપ્યો છે. વર્ષ ૨૦૦૮માં અમદાવાદ, બેંગલુરુ, મુંબઈ, રાજસ્થાન સહિતના રાજ્યોમાં ત્રાસવાદીઓએ આતંક મચાવ્યો હતો. જેની સાથે મોડાસા અને માલેગાંવ ખાતે પણ ત્રાસવાદી હુમલા થયા હતા. જેમાં ૨૯ સપ્ટેમ્બર ૨૦૦૮ના રોજ મોડાસાના સુકાબજાર ખાતેની મસ્જિદમાં પાર્ક કરેલા બાઇકમાં વિસ્ફોટ થયો હતો. જેમાં એક ૧૪ વર્ષના સગીરનું મોત થયું હતું. જ્યારે અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજાઓ થઇ હતી.
અફવા ફેલાવનાર ત્રણ શખસની ધાનેરાથી ધરપકડઃ આતંકવાદી અને ચોર-લૂટારા આવ્યા હોવાની સોશિયલ મીડિયા અને લોકોમાં અફવાના પગલે અમદાવાદ શહેર અને આજુબાજુના ગામડાના લોકોમાં ગંભીર ભય વ્યાપ્યો હતો. આથી અસલાલી પોલીસે મોબાઇલમાં વોટ્સએપ દ્વારા આવી અફવા ફેલાવતા ત્રણ એડમિનને બનાસકાંઠા જિલ્લાના ધાનેરાથી ઝડપી પાડ્યા હતા. પોલીસ તપાસમાં તેઓ વોટ્સએપના માધ્યમથી શોર્ટસ મેસેજથી અફવા ફેલાતા હોવાનું બહાર આવ્યું છે. આ ત્રણેય આરોપીઓ હિન્દુસ્તાન અને ગોગા સરકાર નામનું ગ્રૂપ બનાવીને ગ્રૂપમાં મેસેજ મોકલી અફવા ફેલાવતા હતા.