મોડાસાઃ તાલુકાના પહાડપુર ગામના વ્રજ પટેલની ઓસ્ટ્રેલિયન એરફોર્સમાં પાયલોટ તરીકે નિમણૂંક થતાં માદરે વતનમાં ખુશીનો માહોલ સર્જાયો છે. પહાડપુરના વતની અને સર્વોદય સ્કૂલમાં બાયોલોજી લેબ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા નટુભાઈ પટેલના પુત્ર વિમલભાઈ વર્ષોથી ઓસ્ટ્રેલિયા સ્થાઇ થયા છે અને હાલ ઓસ્ટ્રેલિયાના એડિલેડમાં મોર્ડન સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે.
વારંવાર હવાઇપ્રવાસથી વિમલભાઇના પુત્ર વ્રજને નાનપણથી પાયલોટ બનવામાં વિશેષ રુચિ હતી. ઉચ્ચ અભ્યાસ કરી તેણે ઓસ્ટ્રેલિયામાં જ પાયલોટ તરીકે તાલીમ મેળવી હતી. આ પછી ઓસ્ટ્રેલિયાની ગ્રાઉન્ડ એકેડેમી ઓફિસર્સ ટ્રેનિંગ સ્કૂલમાં તેમની પસંદગી થઇ હતી. જ્યાં તાલીમ બાદ હવે વ્રજ પટેલની રોયલ ઓસ્ટ્રેલિયન એરફોર્સમાં પાયલોટ ઓફિસર તરીકે નિમણૂંક થતાં તેઓ યુદ્ધ વિમાનો ઉડાડશે.
આ પટેલ પરિવાર સાથે પારિવારિક નાતો ધરાવતા અને મોડાસા સર્વોદય સ્કૂલના કેમિસ્ટ્રી ટીચર ઉત્તમ પટેલ અને પ્રિન્સિપાલ ડો. રાકેશ મહેતાએ જણાવ્યું હતું કે વ્રજ સૌમ્ય સ્વભાવ ધરાવતો યુવાન હોવાની સાથે ખૂબ જ મહેનતુ યુવક છે. આગામી સમયમાં તે હજુ પણ વધુ સિદ્ધિઓ મેળવીને દેશ અને પાટીદાર સમાજનું ગૌરવ વધારે તેવી શુભેચ્છા પાઠવીએ છીએ.