ગાંધીનગરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ સ્થળ વડનગરની અને જ્યાં એમણે બાળપણમાં એક સમયે ચા વેચી હતી તે રેલવે સ્ટેશનની મુલાકાત માટે હવે રાજ્ય સરકારના પ્રવાસન નિગમે ટૂર પેકેજ શરૂ કર્યું છે. ગુજરાત ટુરિઝમે વડનગર માટે પેકેજ ટૂર ગોઠવી છે પરંતુ મહાત્મા ગાંધીજી કે સરદાર પટેલ સાથે સંકળાયેલ પોરબંદર કે કરમસદની પેકેજ ટૂર રાખી હોવાનું જાણમાં નથી. શક્ય છે કે ગાંધી-સરદાર અંગેની માગ ઓછી, મોદીની વિશેષ માગ હોય! નિગમે તેના સત્તાવાર પાર્ટનર સાથે મળીને એક દિવસનું રૂ. ૬૦૦નું ટૂર પેકેજ શરૂ કર્યું છે, જેમાં સહેલાણીને મહેસાણાના વડનગર ખાતે અને ત્યાંના રેલવે સ્ટેશન ખાતે લઇ જવાશે.
‘અ રાઇઝ ફ્રોમ મોદીઝ વિલેજ’ નામથી આ ટૂર પેકેજ નિગમે ખાનગી કંપની સાથે મળીને શરૂ કર્યું છે. આ પેકેજમાં સહેલાણીને મોદીએ જ્યાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ લીધું તે શાળા તથા જ્યાં મોદીએ વિવિધ ભૂમિકામાં નાટય મંચન કર્યું તે જગ્યા પણ બતાવાશે. જો સહેલાણી મોદી માટે વધુ જાણવાની ઇચ્છા રાખશે તો તેમને મોદીના સહાધ્યાયીઓ સાથે મુલાકાત પણ કરાવવામાં આવે છે. મોદી જે વડનગરના હાટકેશ્વર મંદિર ખાતે આરતી વખતે ઢોલ વગાડતા હતા, તે મંદિરની મુલાકાત, નાનપણમાં વડનગરના શર્મિષ્ઠા તળાવમાં કૂદીને મગર પકડતા હતા તે તળાવ તથા વડનગરનું બૌધ્ધ પુરાતત્વ સ્થળ પણ આ ટૂર પેકેજમાં સામેલ છે.