વોશિંગ્ટનઃ ઇંગ્લીશ ભાષા પર પ્રભુત્વની ચકાસણી માટે લેવાતી IELTS પરીક્ષામાં સેટિંગ કરીને મહેસાણાના 4 યુવકો અમેરિકા પહોંચી તો ગયા પણ ઘૂસણખોરી કરતાં અમેરિકા પોલીસે દબોચી લીધા. આ પછી પૂછપરછમાં ઈંગ્લીશ ભાષામાં તેમની નબળાઇ છતી થઇ અને IELTS પરીક્ષામાં નાણાં લઇને ઘાલમેલ કરવાનું કૌભાંડ છતું થયું હતું. આ મુદ્દે મુંબઇસ્થિત યુએસ એમ્બેસીએ મહેસાણા પોલીસ વડાને જાણ કરતાં તપાસ હાથ ધરાઇ હતી. તેમાં ખુલ્યું છે તે પ્રમાણે આ યુવાનોને અમેરિકા પહોંચાડવા મહેસાણામાં ખેલ ઘડાયો હતો. એજન્ટે યુવાન દીઠ રૂ. 21 લાખ લીધા હતા. મામલામાં પોલીસે 45 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. હવે ગાળિયો કસાતા વિદેશ મોકલવાની મોડસ ઓપરેન્ડી બહાર આવશે.
કેસનો મુખ્ય સૂત્રધાર અમિત ચૌધરી યુએસ જવા અને IELTS પાસ કરાવવા વિદ્યાર્થીઓ પાસે IELTSના ફોર્મ પોતાના ઇ-મેલ આઈડીથી ભરાવતો હતો. જે ચાર યુવકો ગેરકાયદે IELTS પાસ કરીને અમેરિકા ગયા હતા તેઓ સ્નાતક સુધી ભણ્યા ન હોવા છતાં ચૌધરીએ ચારેયે પોસ્ટ ગ્રેજ્યુએટ સુધી અભ્યાસ કર્યો હોવાના ખોટા દસ્તાવેજ બનાવ્યા હતા. એટલું જ નહીં, નવસારી ખાતે ચાલતી IELTSની પરીક્ષાના દિવસે સેન્ટર પર જઇને ચૌધરીએ સ્પીકિંગ એક્ઝામિનર તેમજ રાઇટિંગ એક્ઝામિનર સાથે સેટિંગ કરીને વિદ્યાર્થીઓની ઉત્તરવહી બદલાવી નાંખી હતી.