પાલનપુરઃ રણની કાંધીએ આવેલા વાવપંથકમાં નર્મદા કેનાલ આવી ત્યારે ખેડૂતોનો હરખ સમાતો નહોતો, પરંતુ પેટાકેનાલો બંધાયા બાદ તેમાં પાણી છોડાયું ત્યારે હલકી ગુણવત્તાના કામથી કેનાલો તૂટવા માંડી હતી. ઉત્તર ગુજરાતમાં વર્તમાન સમયે પણ એવાં ગામડાં છે જ્યાં હજુ નર્મદાનું પાણી પહોંચતું નથી. વાવની વાછરડા માઇનોર - એક કેનાલ જ્યાંથી પસાર થાય છે તે ગામડાં એવાં જ છે. આ કેનાલ તૂટી ગઇ છે. આ વિસ્તારના લોકોએ વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્રએ ધ્યાન ન આપ્યું ત્યારે ખેડૂતોએ જાતે કેનાલ રિપેર કરવાની શરૂ કરી દીધી હતી. આજે આ કેનાલનું સમારકામ પૂરું થવા આવ્યું છે. આ વિસ્તારના ખેડૂતોને વિશ્વાસ છે કે વરસાદમાં આ કેનાલ ઉપયોગી પણ બનશે.