વિસનગરઃ વિસનગર તાલુકાના તરભ સ્થિત સમસ્ત રબારી સમાજની ગુરુગાદી વાળીનાથ અખાડાના મહંત નું ૨૪મી ડિસેમ્બરે નિધન થયું હતું. તેઓની તબિયત નાજુક હતી. અનુયાયીઓની પ્રાર્થના હતી કે, નવનિર્મિત મંદિરમાં શિવ પંચાયતની પ્રતિષ્ઠા બાપુના હસ્તે જ થાય, પણ આ પ્રાર્થના પૂરી થઈ શકી નહીં.
બળદેવગિરીજી બાપુના દેહને ૨૫મીએ સવારે ૮.૦૦થી બપોરે ૩.૦૦ વાગ્યા સુધી અંતિમ દર્શન માટે રખાયો હતો. ‘વાળીનાથ મહારાજની જય’ અને ‘ઓમ નમઃ શિવાય’ના જયજયકાર વચ્ચે શોભાયાત્રા બાદ સાંજે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે તરભ અખાડાની જગ્યામાં સાંજે ૫.૦૦ વાગ્યે તેમને સમાધિ અપાઈ હતી. વડા પ્રધાન મોદી, કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહ, મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીએ બાપુને શ્રદ્ધાંજલિ આપી હતી.
વડા પ્રધાને ટ્વિટ કરી હતા કે, રબારી સમાજના ધર્મગુરુ પૂજ્ય બળદેવગીરી બાપુના બ્રહ્મલીન થયાના સમાચાર સાંભળીને દુ:ખ અનુભવું છું. ઈશ્વર એમના આત્માને સદગતિ અર્પે તથા હજારો અનુયાયીઓને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. એ જ પ્રાર્થના...
ઓમ શાંતિ...!