ભાભરઃ બનાસકાંઠાના ભાભર તાલુકાના મેરા ગામ નજીક આવેલી કેનાલના રસ્તા પર કોઈ બાળકને છોડીને જતું રહ્યું હોવાના સમાચાર છે. સોમવારે સવારે બાળક ગોઠણિયાભેર પડેલું મળી આવતાં રાહદારીઓ હચમચી ઊઠ્યા હતા. ઘટનાની જાણ ભાભર પોલીસને કરવામાં આવી હતી.
ઘટના સ્થળે પહોંચેલી પોલીસે શિશુને સીધું કરીને તે જીવે છે કે મૃત્યુ પામ્યો તેની તપાસ કરી તો ખબર પડી કે તે બાળક મૃત હાલતમાં હતું. મૃતદેહનું ભાભર સીએચસી ખાતે પીએમ કરવામાં આવ્યું હતું. બાળકને જાહેરમાં ફેંકી દેવાનું કૃત્ય આચરનાર સામે ગુનો નોંધી તપાસ કરવામાં આવી છે. સ્થાનિક પીએસઆઇ એસ એ ચૌધરીએ જણાવ્યું હતું કે આસપાસ જ્યાં જ્યાં પ્રસૂતિ થઈ છે ત્યાં આ અંગેની તપાસ કરવામાં આવી છે. હાલમાં મોતનું પ્રાથમિક અનુમાન કરાયું નથી પરંતુ પીએમ રિપોર્ટ બાદ વધુ વિગત સામે આવશે.