બહુચરાજીઃ રાંતેજ ગામમાં તાજેતરમાં દલિતોનો સામાજિક બહિષ્કાર કરાયો છે અને ગામમાં એવું ફરમાન કરાયું છે કે, જો કોઇ દલિતને કરિયાણું અથવા જીવન જરૂરિયાતની ચીજવસ્તુ આપશે તો રૂ. ૨૧૦૦ દંડ થશે. રાંતેજમાં ૮-૯ ફેબ્રુઆરીએ સિકોતર માતાજીના મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં સામૂહિક જમણ રાખવામાં આવ્યું હતું. તે વખતે દલિતોનો અલાયદો જમણવાર રાખવા નક્કી કરાયું હતું. પરિણામે આ મુદ્દે દલિતોએ વિરોધ નોંધાવ્યો હતો. ગ્રામજનોના આ નિર્ણયને પગલે દલિતોએ પણ મૃતપશુઓના નિકાલ કરવાની કામગીરી નહીં કરવા નક્કી કર્યું હતું.
૧૬મી ફેબ્રુઆરીએ ગ્રામજનોએ એવુ નક્કી કર્યું કે, દલિતોને કરિયાણું અથવા જીવન જરૂરિયાતની ચીજવસ્તુ આપવામાં આવશે તો, રૂ. ૨૧૦૦ દંડ ફટકારવામાં આવશે. આ મુદ્દે રાંતેજના આઠ વ્યક્તિ સામે ફરિયાદ નોંધાઇ છે. ભાજપના જ આગેવાને ગ્રામજનોને ઉશ્કેર્યા હોવાનો દલિતોએ આક્ષેપ કર્યો છે. દલિતોએ કલેક્ટર સામે રજૂઆત કરી આરોપીઓની ધરપકડ કરવા માગ કરીને ડેરીમાં દૂધ, વ્યાજબી ભાવની દુકાનેથી રેશન મળે એવી અરજી કરી છે.