રાંધેજા બેઠક પર એક જ પરિવારમાંથી સાસુ-વહુ સ્થાનિક ચૂંટણી જંગમાં હતાં. સાસુ સુશિલાબહેન અરવિંદસિંહ વાઘેલા ભાજપમાંથી જ્યારે વહુ શોભાબા શંકરજી વાઘેલા કોંગ્રેસમાંથી ઉમેદવાર હતાં. શોભાબાએ પોતાનું ફોર્મ પરત ખેંચી લેતાં રાંધેજાની બેઠક ભાજપને બિનહરીફ મળી જવા પામી છે.
• ઠંડી ઘટતાં શિયાળુ વાવેતરને ‘બ્રેક’ ઉત્તરપૂર્વીય પવનોની ગતિ મંદ પડતા અને અરબી સમુદ્રનાં પૂર્વ મધ્ય ભાગમાં ‘લો પ્રેશર’ સર્જાતાં બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતના હવામાનમાં આકસ્મિક પલટા આવતા રહે છે. અચાનક ઠંડીના પ્રમાણમાં વધારો થતાં ખેડૂતો શિયાળુ વાવેતરમાં પરોવાયા ત્યાં ઉત્તર-પૂર્વીય પવનોની ગતિ મંદ પડી અને હવામાનમાં ફરી એકવાર પલટો આવ્યો અને ઠંડી ઓછી થઈ. તેથી શિયાળુ વાવેતરની તૈયારીઓ કરી બેઠેલા ખેડૂતો હવે ક્યો પાક લેવો તે બાબતે મુંઝાયા છે.
• ખીરસરા (વિંઝાણ) સીમમાં ખનિજચોરી ઝડપાઈઃ અબડાસા તાલુકામાં લાંબા સમયથી ગેરકાયદેસર રીતે ખનિજ ચોરીની પ્રવૃત્તિ વધી રહી છે. ૧૪મી નવેમ્બરે મધરાત્રે ખીરસરા (વિંઝાણ) ગામના સીમાડામાં પશ્ચિમ કચ્છ પોલીસના સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટુકડીએ બાતમીના આધારે રૂ. ૩૫ લાખની કિંમતનું ખનિજ ચોરી માટેનું યંત્ર અને રૂ. દસેક લાખનો માલ કબજે કર્યો હતો.