મહેસાણા: ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાને લક્ષચંડી મહાયજ્ઞ સમયે નવી પેઢીમાં ઉમિયા માતાજી પ્રત્યે શ્રદ્ધા ભક્તિમાં વધારો થાય તે માટે દરેક પાટીદાર ગામોમાં મા ઉમિયાજીનું મંદિર બને તેવો સંકલ્પ કર્યો હતો. આ સાથે વિઝન ૨૦૩૦ અંતર્ગત ઉમિયા માતાજીના ૧૦૦૧ મંદિર નિર્માણનો સંકલ્પ કરાયો હતો. આ સંકલ્પના ભાગરૂપે રવિવારે સંસ્થાના પ્રમુખ મણિભાઈ મમ્મીના અધ્યક્ષ સ્થાને ઊંઝા મંદિરમાં ઉત્તર અને મધ્ય ઝોનના ૧૦ જિલ્લાના સંગઠનોની સૌપ્રથમ બેઠક મળી હતી. જેમાં સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના નનાનપુર ગામે મા ઉમિયાના ફોટો મંદિર બનાવવાની જાહેરાત થઈ તેના અડધા કલાકમાં ૪૧૦ ફોટો મંદિર અને શિખર મંદિરો બનાવવાની જાહેરાત કરાઈ હતી. જેને હાજર સૌએ મા ઉમિયાના જયજયકાર સાથે વધાવી લીધી હતી.