મહેસાણાઃ હિંમતનગર નજીક રાયસિંગપુરા રોડામાં સુંદર પક્ષીમંદિર આવેલું છે. ભારતમાં આ એક જ માત્ર પક્ષીમંદિર હોવાનું મનાય છે. આમ તો દેવી દેવતાઓના વિવિધ પ્રકારના વાહનોમાં ગરુડ, હંસ, મોર જેવા પક્ષીઓ જોવા મળે છે, પરંતુ આ મંદિરમાં ધાતુઓની વિવિધ તકતીઓમાં પ્રાણીઓ અને મોર પોપટ જેવા પક્ષીઓના આકાર કોતરેલા છે. આથી આ મંદિરને બર્ડ ટેમ્પલ કહેવાય છે. ઇતિહાસકારોનું માનવું છે કે આ પ્રાચીન મંદિરની સ્થાપત્ય શૈલીમાં ચૌલુક્ય શૈલીની બાંધકામકળા જોવા મળે છે.
આ મંદિરના સ્થાપત્યમાં સ્તંભો, દરવાજા, કમાનો તેમજ દિવાલો ઉપર ઉપસાવેલી ભાતવાળી કિનારીઓ પરથી આ મંદિરનું નિર્માણ સાતમી અને નવમી સદી વચ્ચે થયાનું મનાય છે. અહીં કુલ સાત જેટલા મંદિરો ખંડેર હાલતમાં છે. આ મંદિરના ચણતરમાં કયાંય ચૂનો કે અન્ય પદાર્થનો ઉપયોગ થયો નથી. માત્ર પથ્થરને ઘડીને એક બીજામાં જડી દેવામાં આવ્યા છે. જેમાં આ મંદિરોના સમૂહમાં જ એક પક્ષી મંદિર આવેલું છે.
પક્ષી મંદિરની પાસે શિવમંદિર અને તેના થોડા અંતરે વિષ્ણુમંદિર આવેલું છે. મંદિરના આગળના ભાગે આવેલા કુંડની ચારે ખૂણે અન્ય મંદિરો છે. કુંડની અંદરના મંદિરોમાં એક ખૂણે વિષ્ણુ ભગવાનની મૂર્તિ અને બીજા ખૂણે માતાજીની મૂર્તિઓ છે. તેની સામે છેડે ગણપતિની મોટી મૂર્તિ અને નવગ્રહ મંદિર પણ છે. એવું માનવામાં આવે છે કે કુલ ૧૨૫ જેટલા મંદિરો હતા જેનો કાળક્રમે નાશ થયો હતો. રોડાના આ સાત મંદિરો સાતમી સદીના હોવાનું મનાય છે.