અમદાવાદ: ચાતુર્માસ દરમિયાન મહેસાણામાં સ્થિરતા કરી રહેલા રાષ્ટ્રસંત આચાર્ય શ્રીમદ્ પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજની ૮૩મી વર્ષગાંઠ પ્રસંગે ઉજવાઇ રહેલા ‘ગુરુ આશિષ મહાપર્વ’માં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ત્રીજીએ હાજરી આપી હતી. મહેસાણાના મોઢેરા ચાર રસ્તા સિમંધર સ્વામી જૈન દેરાસરમાં રામનાથ કોવિંદે તેમના વક્તવ્યમાં રાષ્ટ્રનો પ્રત્યેક વ્યક્તિ રાષ્ટ્રનિર્માણ માટે નિર્માતા બને તેવો અનુરોધ કર્યો હતો. કોવિંદે કહ્યું હતું કે, રાષ્ટ્રનિર્માતાની શ્રેણીમાં રાષ્ટ્રસંત પદ્મસાગર સૂરીશ્વરજીનું શ્રેષ્ઠ યોગદાન છે અને રાષ્ટ્રનો પ્રત્યેક વ્યક્તિ રાષ્ટ્રનિર્માણ માટે નિર્માતા બને તેવું ઇચ્છું છું. કોઇ પણ વ્યક્તિની પરખ તેના કાર્યથી થાય છે. પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજના અનુયાયીઓ થકી સમાજ કલ્યાણના કાર્યો થઇ રહ્યા છે. મહાત્મા ગાંધીએ ટ્રસ્ટીશીપ વિચારધારા આપણને આપી છે અને તેનું અનુકરણ પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ કરી રહ્યા છે. ભારતની ભૂમિ સંતોની ભૂમિ છે. સંતો, મહંતો, આચાર્યો આ પરંપરા આગળ ધપાવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, રામનાથ કોવિંદ ૧૯૯૪માં રાજ્યસભાના સાંસદ હતા ત્યારે પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ સાથે નવી દિલ્હીમાં તેમની સૌ પ્રથમ મુલાકાત થઇ હતી. આ પછી તેઓ સતત સંપર્કમાં રહ્યા છે. રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, ગુજરાત સાથે મારો ઘર જેવો નાતો છે. આ રાજ્યે દેશને બે વડા પ્રધાન આપ્યા છે. મહેસાણાના કિસાનો અને સહકારી સંસ્થાઓએ દેશનું ગૌરવ વધાર્યું છે.
આ પ્રસંગે રાજ્યપાલ ઓ. પી. કોહલી, મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ પણ ઉપસ્થિત હતા.