રૂ. ૨૧ લાખના દેવામાં પરિવારના ૪ની હત્યાઃ મોભીએ ઝેર પીધું

Wednesday 26th June 2019 07:55 EDT
 

પાલનપુર: બનાસકાંઠાના લાખણી તાલુકાના કૂડા ગામે ૨૧મીએ વહેલી સવારે ભરઊંઘમાં જ પત્ની, બે પુત્રો અને પુત્રી સહિત એક જ પરિવારના ચાર સભ્યોની તીક્ષ્ણ હથિયારથી ગળાના ભાગે ઘા મારી હત્યા કરાયેલાં મૃતદેહો મળ્યાં હતાં. આ ઉપરાંત ઘરના મોભી નજીકમાંથી ઝેરી દવા પીધેલી હાલતમાં મળ્યા હતાં.
ઘરનાં મોભી કરશનજી પટેલને સારવાર માટે અમદાવાદ ખસેડીને પોલીસે તારણ આપ્યું હતું કે, પિતાએ જ આર્થિક સંકડામણના લીધે પરિવારની હત્યા કરી પોતે ઝેર પીધું હતું. જોકે, ગ્રામજનો પોલીસની તપાસ પછીના આ નિવેદનથી સંમત થયા નહોતા. ગ્રામજનો સાચા આરોપીઓ ઝડપાય પછી જ મૃતદેહો સ્વીકારવા અડગ હતાં. જોકે બોર્ડર રેન્જ આઇજી, શંકરભાઈ ચૌધરી, માવજીભાઈ પટેલ સહિત સમાજના આગેવાનોએ ગ્રામજનોને સમજાવવાના પ્રયાસો હાથ ધર્યાં હતાં અને પોલીસે પણ વધુ તપાસ આદરી હતી. આ ઘટનામાં ઘરની ઓસરીની ભીંત પર રૂ. ૨૧ લાખ અને ૯ જણાના કોલસાથી નામો લખેલા હોવાથી રહસ્ય સર્જાયું હતું. ગ્રામજનોએ જણાવ્યું કે કરશનજી અભણ છે તો આ લખાણ કોણે લખ્યું એ રહસ્ય છે!
બીજી તરફ અમદાવાદ સિવિલમાં સારવાર દરમિયાન કરશનભાઈનું મૃત્યુ થતાં ચાર ભાઈઓ સહિત પરિવારની હાજરીમાં તેમના અંતમ સંસ્કાર થયાં જેથી કેસની મહત્ત્વની કડીના મોતથી પોલીસ ગૂંચવણમાં છે અને સમગ્ર તપાસ હવે પોલીસ કઈ રીતે કરે છે તેની પર સમગ્ર ચૌધરી સમાજનું ધ્યાન છે. પોલીસે એ દિશામાં પણ તપાસ આદરી છે કે ક્યાંક ઉઘરાણીના કારણે આ હત્યાકાંડ સર્જાયો નથીને?


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter