અમદાવાદ: મહેસાણામાં રહેતા અને નાણાં ધીરધારનો ધંધો કરતા વેપારીએ બાકી નીકળતા ૫૦૦ રૂપિયા પરત મેળવવા તાજેતરમાં હાઇ કોર્ટમાં અરજી કરી હતી. અરજી કરવા અને કોર્ટ કાર્યવાહી માટે તેમણે અત્યાર સુધીમાં રૂ. ૩૦ હજાર જેટલી ફી ચૂકવી છે. ૬ વર્ષ અગાઉ ૧૦ હજાર રૂપિયા લેનાર વ્યકિત પાસેથી ૧૦૦ રૂપિયાના સ્ટેમ્પ પેપર અને એફિડેવિટ પર ૧ વર્ષમાં નાણા પરત ચૂકવવા લખાણ લેવામાં આવ્યું હતું. વર્ષને અંતે નાણા લેનાર વ્યક્તિએ માત્ર રૂ. ૭ હજાર ચૂકવ્યા હતા. બાકી રહેલા રૂ. ૩ હજાર પર વ્યાજ ગણીને રૂ. પાંચ હજાર માગવામાં આવતા હતા. ત્યારબાદ બે વર્ષ પછી માત્ર રૂ. ૫૦૦ લેવાના બાકી નીકળતા હતા, પરતું નાણાં લેનાર વ્યક્તિ શહેર છોડીને અમદાવાદ આવી ગયા હોવાથી ધીરનારે રૂ. ૫૦૦ લેવાના બાકી નીકળતા હતા.
રૂ. ૫૦૦ પણ નહીં છોડવા માગતા રણછોડભાઇએ પોલીસ સ્ટેશન અને કોર્ટમાં અનેક રજૂઆતો કરી હતી. અનેક જગ્યાએ તેમને આટલી ઓછી રકમ માટે કોર્ટમાં નહીં જવા સમજાવવામાં આવ્યા હતા પરંતુ એફિડેવિટને આધારે તેમણે છેવટે હાઇ કોર્ટમાં અરજી કરી હતી. અરજીમાં દલીલ કરાઈ કે, નાણાં લેનારને પોલીસ શોધતી નથી. નાણાં લઈને નાસી જનાર વ્યક્તિ સામે તેમની પાસે પુરાવો છે. આશ્ચર્યની વાત એ છે કે અત્યાર સુધી તેમણે નીચલી કોર્ટ અને હાઇ કોર્ટમાં તેમને રૂ. ૩૦ હજારનો ખર્ચો થયો છે. મહેસાણાથી અમદાવાદ આવવા - જવાનો ખર્ચો પણ થઇ રહ્યો છે, પરંતુ તેમનું કહેવું છે કે રૂ. ૫૦૦ પરત લેવાનો તેમનો અધિકાર છે.
અરજદાર વખત છેતરાયા પણ ખરા
કોર્ટ ૯ મહિનાથી બંધ છે તેની ખબર ન હોવાથી તેમણે મેટ્રો કોર્ટમાં કોઇ વકીલને કેસ કરવાની વાત કરી હતી. વકીલે પણ અરજી કરી આપવાના રૂ. ૫-૬ હજાર થશે તેવું કહીને એડવાન્સ પૈસા લીધા હતા. ૧ મહિના સાથે કોઇ કેસ દાખલ નહીં થતાં રણછોડભાઇએ વકીલને ફોન કરતાં તેમણે કોર્ટ ચાલુ થયા પછી કેસ બોર્ડ પર આવશે.
દેવાદાર પાસેથી ખર્ચ વસૂલીની માગ
અરજીમાં એવો ઉલ્લેખ કરાયો છે કે, તેણે કોર્ટમાં અરજી કરવા માટે રૂ. ૧૨ હજાર ફી આપી છે અને આવવા-જવાના ભાડા સહિત રૂ. ૧૮ હજારનો ખર્ચો ૮ મહિનામાં કર્યો છે. આ ખર્ચો પણ ૫૦૦ રૂપિયા લેનાર વ્યકિત પાસેથી વસૂલીને મળવો જોઇએ.