ગાંધીનગરઃ રૂપાલની પલ્લી તરીકે પ્રસિદ્ધિ પામેલા શ્રી વરદાયિની માતાજીના મંદિરના જિર્ણોદ્ધારનો શિલાન્યાસ આરોગ્ય અને પરિવાર કલ્યાણ પ્રધાન નીતિનભાઈ પટેલ અને શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે ૨૩મી જાન્યુઆરીએ કરવામાં આવ્યો હતો. રૂ. ૧૫ કરોડના ખર્ચે નિર્માણ થનાર વરદાયિની માતાજીના ભવ્યાતિભવ્ય મંદિરનું બાંધકામ હવે ટૂંક સમયમાં હાથ ધરાશે. નીતિનભાઈએ પ્રસંગે જણાવ્યું હતું કે, હજારો ધર્મપ્રેમી ભક્તોએ માતબર દાનની રકમ આપી ધર્મ પ્રત્યેની ભાવના અને દિવ્યતા ઉજાગર કરી છે તેથી હવે અહીં ભવ્ય મંદિર બનશે અને એક સાથે ૫૦૦થી વધુ લોકો અહીં માતાજીના દર્શન કરી શકશે. રૂપાલના વતની બળદેવભાઈ જે. પટેલે રૂ. ૧.૪૨ કરોડની રકમ દાનમાં આપી હતી. આ પ્રસંગે વિવિધ દાતાઓ દ્વારા કુલ રૂ. ૩ કરોડથી વધુ રકમનું દાન મંદિરને આપવામાં આવ્યું હતું.