ગાંધીનગરઃ રૂપાલની પલ્લીની પરંપરામાં પ્રતિવર્ષે ભક્તોની સંખ્યા વધતી જાય છે. આ વખતે આશરે ૧૦ લાખથી પણ વધુ ભક્તોએ નવરાત્રિની નોમની રાત્રે પલ્લીના દર્શન કર્યાં હતા. પાંચ જ્યોતવાળી અલૌકિક પલ્લી પર બાધા, માનતા અને શ્રદ્ધાથી ભક્તો શુદ્ધ ઘીનો અભિષેક કરે છે. આ વર્ષે કુલ ચાર લાખ કિલોથી વધુ ચોખ્ખું ઘી પલ્લી પર ચઢાવાયું હતું. બજાર કિંમત પ્રમાણે આ વખતે પલ્લી પર આશરે રૂ. ૧૬ કરોડથી પણ વધુના ઘીનો અભિષેક કરાયો હતો. જેનાથી ગામમાં શુદ્ધ ઘીની રીતસરની નદીઓ વહેતી હોય તેવું દૃશ્ય ઊભું થયું હતું. મંદિર કાર્યાલય તરફથી અગાઉ જાહેરાત કરાઈ હતી કે, પલ્લીની જ્યોતના દર્શન પૂનમ સુધી રહેશે અને તે દરમિયાન પણ હજારો લીટર ઘીનો અભિષેક કરાશે.
વરદાયિની માતા દેવસ્થાન સંસ્થાના મેનેજર અરવિંદ ત્રિવેદીએ જણાવ્યું કે, મધ્યરાત્રિએ પલ્લીની પૂજનવિધિ કરી એ પછી પરોઢિયે ૪-૩૫ કલાકે માતાજીની પલ્લીનું મોટા માઢમાંથી પ્રસ્થાન કરાયું હતું. જનમેદની વચ્ચે પાંચ જ્યોતવાળી પલ્લીના દર્શન કરવાની સાથે સાથે તેના ઉપર માનતાનું અસંખ્યા કિલો ચોખ્ખું ઘી ચઢાવાતું હતું. જેના માટે દરેક ચોકમાં ચોખ્ખા ઘીના ટેન્કરો-ટ્રેક્ટરો ભરેલા રખાયા હતા. તો બાળકોને પલ્લીની જ્યોત ઉપરથી ફેરવવાની પણ ધાર્મિક માન્યતા છે. પલ્લી ગામના ૨૭ ચકલા એટલે કે ચોકમાં ફરીને પરંપરાગત પોણા બે કિમીનો રૂટ કાપી સવારે ૭.૩૬ કલાકે મંદિર આવી હતી. આ વર્ષએ મંદી સહિત મોંઘવારી હોવા છતાં શ્રદ્ધાના વહેતા રહેલા ઘોડાપૂરમાં ભાવિકો દ્વારા ઘીનો અભિષેક કરવાના બદલે ઘી પેટે કરેલા દાનની આવક પણ થઈ હતી. મંદિર, પ્રશાસન, સરકારી તંત્ર અને ગ્રામજનોના સંયુક્ત સહયોગથી આ પલ્લી કોઈપણ વિઘ્ન વગર પૂરી થઈ હતી.
પૌરાણિક ગાથા પ્રમાણે હસ્તિનાપુરના યુદ્ધમાં વિજય બાદ પાંડવો અને કૃષ્ણએ સોનાની પલ્લીને ગામમાં ફેરવી હતી. પલ્લીના ઈતિહાસ પર નજર કરીએ તો, દ્વાપર યુગમાં પાંડવોએ ગુપ્તવાસમાં જતાં પહેલાં પોતાના શસ્ત્રો ખીજડાના એક વૃક્ષ નીચે સંતાડ્યા હતા. આ શસ્ત્રોની રક્ષા માટે તેઓએ વરદાયિની માતાને પ્રાર્થના કરી હતી. જંગલોની વચ્ચે ઘેરાયેલા રૂપાલ પંથકમાં ખીજડાના આ વૃક્ષ નીચે માતાજીની દેરી હતી. ગુપ્તવાસ પૂરો કરી પાંડવો વિરાટનગર એટલે કે હાલના ધોળકામાંથી પરત ફરી શસ્ત્રો લેવા રૂપાલ આવ્યા ત્યારે શસ્ત્રોની પૂજા કરી તેમણે પાંચ દિવાની જ્યોતવાળી પલ્લી બનાવી માતાજી પાસે મૂકી હતી. ત્યારબાદ હસ્તિનાપુરના યુદ્ધમાં વિજય પછી કૃષ્ણ સાથે પાંડવો અહીં આવ્યા હતા અને સોનાની પલ્લી બનાવીને ગામમાં નીકાળી હતી. એટલે કે, મહાભારતકાળથી આ પલ્લીની પરંપરા શરૂ કરી હોવાનો ઈતિહાસ છે ત્યારે આ સમયથી એટલે કે છેલ્લા પાંચ હજાર વર્ષ પહેલાથી રૂપાલમાં વરદાયિની માતાજીનો પલ્લીનો મેળો પ્રતિવર્ષ નવરાત્રિ પર્વના નવમા નોરતે યોજાય છે.