ગાંધીનગરઃ મહાભારતકાળથી ચાલી આવતી રૂપાલ ગામની પલ્લીમાં પ્રતિવર્ષે ભક્તોની સંખ્યા વધતી જ જાય છે. આ વખતે ૧૦ લાખથી પણ વધુ ભક્તો નોમની રાત્રિએ પલ્લીના દર્શનાર્થે ઊમટી પડ્યા હતા. પાંચ જ્યોતવાળી અલૌકિક પલ્લી પર બાધા, માનતા અને શ્રદ્ધાથી ભક્તો શુદ્ધ ઘીનો અભિષેક કરે છે. આ વર્ષે કુલ સાડા ચાર લાખ કિલોથી ચોખ્ખું ઘી ચડાવાયું હતું. પલ્લી રથ પ્રસ્થાન થયો ત્યારથી મંદિરે પરત ફર્યો ત્યા સુધી ફક્ત બે કલાકમાં જ આ સાડા ચાર લાખ કિલો ઘીનો અભિષેક કરાયો હતો. બજાર કિંમત પ્રમાણે આ વખતે પલ્લી પર રૂ. ૨૦થી ૨૧ કરોડનું ઘી ચડાવાયું હતું.
પલ્લીના ઈતિહાસમાં નજર કરીએ તો દ્વાપર યુગમાં પાંડવોએ ગુપ્તવાસમાં જતાં પહેલાં પોતાના શસ્ત્રો ખીજડાના એક વૃક્ષ નીચે સંતાડ્યા હતા. આ શસ્ત્રોની રક્ષા માટે તેઓએ વરદાયિની માતાજીની પ્રાર્થના કરી હતી. જંગલોની વચ્ચે ઘેરાયેલા રૂપાલ પંથકમાં ખીજડાના વૃક્ષ નીચે માતાજીની દેરી હતી. ગુપ્તવાસ પૂરો કરી પાંડવો વિરાટનગર એટલે હાલના ધોળકામાં ફરી શસ્ત્રો લેવા રૂપાલ આવ્યા ત્યારે શસ્ત્રોની પૂજા કરી તેમણે પાંચ દિવાની જ્યોતવાળી પલ્લી બનાવી માતાજી પાસે મૂકી હતી. એ પછી હસ્તીનાપુર યુદ્ધમાં વિજય મેળવીને પાંડવો અહીં આવ્યા અને સોનાની પલ્લી બનાવી યાત્રા કાઢી હતી. ત્યારથી પલ્લીની પરંપરા શરૂ થયાનો ઇતિહાસમાં ઉલ્લેખ છે.