ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પુરુષોત્તમ રૂપાલાએ ૨૬મી જૂને પાટીદારોના ગઢ ગણાતા બહુચરાજીમાં કારોબારીની મિટિંગ યોજી હતી. રૂપાલાના આ પગલાંથી નારાજ ‘પાસ’ દ્વારા રૂપાલા માટે ઉત્તર ગુજરાતમાં પ્રવેશબંધી ફરમાવી દેવામાં આવી છે. ઉત્તર ગુજરાતના પાસના કન્વીનર નરેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, રૂપાલાજીમાં તાકાત હોય તો હવે વ્યક્તિગત રીતે ઉત્તર ગુજરાતમાં કાર્યક્રમ કરી જુએ. પગ મૂકવા દઇએ તો પાટીદારોનું પાણી લાજે. રવિવારે બહુચરાજીમાં ઉત્તર ગુજરાત, અમદાવાદ અને કચ્છ જિલ્લાના ૧૫૦થી વધુ પાસ કન્વીનરોની બેઠક મળી હતી. જેમાં રૂપાલાના પગલાંની આકરી ઝાટકણી કાઢવામાં આવી હતી.
• થરાદમાં રૂ. ત્રણ કરોડના ખર્ચે ડામર અને આરસીસી રોડઃ થરાદ નગરપાલિકા દ્વારા નગરમાં વિકાસકામોનું આયોજન કરાયું છે. રાજ્ય સરકાર દ્વારા રૂ. ૩ કરોડના ખર્ચે ડામર અને આરસીસી રોડ બનાવવાની મંજૂરી નગરપાલિકાને મળી છે. ૨૩મી જૂને પાલિકા સદસ્યોના હસ્તે આ રોડના બાંધકામનું ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું.
• લવાણામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણઃ લાખણી તાલુકાના લવાણા ગામે ભવ્ય પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. જેને ૨૫મી જૂને રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના પ્રધાન શંકરભાઈ ચૌધરીના હસ્તે રિબીન કાપીને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.
• પાલનપુરનો આકાશ મહેતા તઝાકિસ્તાનમાં ફૂટબોલ રેફરીઃ તાજેતરમાં તઝાકિસ્તાનમાં એશિયન ફૂટબોલ ફેડરેશન દ્વારા યોજાયેલી ફૂટબોલ ટુર્નામેન્ટમાં મેચ રેફરી તરીકે પાલનપુરના યુવાન આકાશ મહેતાની નિમણૂક થઈ અને આકાશ મહેતાએ સફળતાપૂર્વક મેચ રેફરી તરીકેની સેવા આપી આંતરાષ્ટ્રીય ક્ષેત્રે પાલનપુરનું નામ રોશન કર્યું હતું.