રેશમી વસ્ત્ર પર સચવાયેલાં ભગવાન સ્વામીનારાયણનાં કંકુપગલાં

Wednesday 06th June 2018 06:55 EDT
 
 

સુરતઃ આજથી ૨૧૪ વર્ષ પહેલા ૪થી જૂન, ૧૮૦૪ના રોજ ભગવાન સ્વામીનારાયણ મહારાજ વડનગર પધાર્યાં હતાં અને સતત પાંચ વર્ષ (૧૮૦૯) સુધી દશેક વખત વડનગર રોકાણ કર્યું હતું. એ સમયે ફોટોગ્રાફીની શોધ થઈ નહોતી એટલે યાદોના સંગ્રહ માટે ચિત્રો બનાવવામાં આવતા હતા અને પગની છાપ લેવાની પણ વીધિ ત્યારે હતી. મહાન સંતો, લોકપ્રિય રાજામહારાજાઓ, વિશેષ મહેમાનો અથવા સામાજિક લોકપ્રિયતા ધરાવતા વ્યક્તિત્વના પગલાં જ્યારે ઘરે પડે, તેમની ઘરમાં પધરામણી થાય ત્યારે તેમના કંકુપગલાં રેશમના વસ્ત્રો પર ઝીલવાની અને તેને સંગ્રહવાની એક પ્રથા હતી. આવી જ એક ભગવાન સ્વામિનારાયણના કંકુપગલાંની છાપ વડનગરમાં સચવાયેલી છે.
બસો વર્ષ પહેલાંની કલાકૃતિ
ભગવાન સ્વામીનારાયણ વડનગર પધાર્યાં ત્યારે કોઈક ભક્તના ઘરે તેમણે પધરામણી કરી હતી. એ સમયે રેશમના વસ્ત્ર પર કંકુપગલાં કર્યાં હશે એ અલભ્ય કલાકૃતિ અત્યારે રતિલાલ ભાવસારના ઘરે ફોટો ફ્રેમમાં સચવાયેલી છે. ભગવાન સ્વામીનારાયણના પગલાં કોના ઘરે થયાં હતાં તેની વિગત નથી, પણ આ કલાકૃતિ આશરે બસ્સો વર્ષ પહેલાંની વિશેષ કલાકૃતિ ગણાવી શકાય એવું ઇતિહાસકારોનું કહેવું છે.
વડનગર સ્વામીનારાયણ મંદિરના ઇતિહાસમાં ત્યારે મહારાજશ્રીએ વડનગરના અતિપૌરાણિક ઋષિધરામાં અનેક દિવસો પ્રાતઃ સ્નાન કર્યાનો ઉલ્લેખ છે અને આ પગલાંની પ્રતિકૃતિને વિશાળ કદમાં એન્લાર્જ કરીને પણ રાખી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter