મહેસાણા, ઊંઝા: કડવા પાટીદારોનાં કુળદેવી ઉમિયા માતાજીના ધામ ઊંઝામાં આગામી ૧૮થી ૨૨ ડિસેમ્બરના રોજ વિશ્વ કલ્યાણ અર્થે ગુજરાતની ધરતી ઉપર સૌપ્રથમવાર લક્ષચંડી મહાયજ્ઞ યોજાનાર છે. રવિવારે આ મહાયજ્ઞના મુખ્ય યજમાન સહિતની યોજાયેલી ૨૨ જેટલી ઉછામણીમાં પાટીદારોએ મા અંબાના ચરણોમાં ખુલ્લામને ધનવર્ષા કરી હતી. મુખ્ય યજમાન માટે સૌથી ઊંચી રૂ. ૪.૨૫ કરોડની ઉછામણી બોલી વરમોરા ગ્રૂપના ગોવિંદભાઈ પટેલે લાભ લીધો હતો. વરસાદના કારણે ૧૪ જેટલી ઉછામણી થઈ શકી હતી, જેમાં કુલ રૂ. ૭.૪૮ કરોડની ઉછામણી બોલી મા ઉમાના ભક્તોએ રંગ રાખ્યો હતો. આ અંગે સંસ્થાના મંત્રી દિલીપભાઈ નેતાજીએ જણાવ્યું હતું કે, મહોત્સવમાં ૫૦થી ૬૦ લાખ ભક્તો પધારી માના આશીર્વાદ મેળવશે. ચેરમેન મણિભાઈ મમ્મીએ જણાવ્યું કે, આ મહોત્સવથી સમાજમાં ભાવાત્મક એકતા સાધીને પાટીદારો વિશ્વની શ્રેષ્ઠ પ્રજા તરીકે ઓળખ પામશે.
ઉછામણીનું વિશ્વભરમાં લાઈવ પ્રસારણ કરાયું પાટીદારો વિશ્વભરમાં પથરાયેલા હોવાથી તેઓ આ ઉછામણીમાં ભાગ લઈ શકે તે માટે સંસ્થા દ્વારા યુ ટ્યૂબ, ફેસબુક અને ઉમિયા માતાજી સંસ્થાનની વેબસાઇટ ઉપર લાઈવ પ્રસારણ કરાયું હતું.
ન ભૂતો ન ભવિષ્યતિની જેમ મહોત્સવ ઉજવાશે
પ્રોજેક્ટ ચેરમેન એમ.એસ. પટેલે જણાવ્યું કે, યુવાપેઢી ધર્મભાવના સાથે જોડાયેલા રહે તેવા હેતુથી લક્ષચંડી મહાયજ્ઞનું આયોજન કરાયું છે.
ન ભૂતો ન ભવિષ્યતિની જેમ આ મહોત્સવ સપળતાને વળશે તેવી શ્રદ્ધા છે.