મહેસાણાઃ લારીમાં લસણ વેચીને ગુજરાન ચલાવતા પરિવારનો માનસિક વિકલાંગ પુત્ર અમેરિકામાં આયોજિત ઓલિમ્પિકમાં ભાગ લેશે. દેવીપૂજક સમાજના ૨૦ વર્ષીય મહેન્દ્રના પિતા ધીરુભાઈ અને માતા ગીતાબહેન તીર્થધામ બહુચરાજીમાં લસણ વેચીને રોજનું કમાઇને દીકરાને રમતગમત ક્ષેત્રે આગળ વધવા પ્રેરણા આપે છે. મહેન્દ્ર ૧૪ વર્ષનો હતો ત્યારથી તેને રમત પ્રત્યે લગાવ હતો. હેન્ડ બોલ ફેંકવામાં તે કુશળ છે. પરંતુ તેને ૫૦ ટકા જેટલી માનસિક વિકલાંગતા છે. કેટલીક સામાજિક સંસ્થાઓએ મહેન્દ્રને તાલીમ આપવાથી લઈને બીજી બધી મદદ કરી છે. તેણે ચાર રાષ્ટ્રીય રમતમાં ભાગ લીધો હતો. હવે તે અમેરિકાના લોસ એન્જલસમાં સ્પેશિયલ ઓલિમ્પિક વર્લ્ડ સમર ગેમ્સમાં ૨૦ જુલાઈએ રમવા જઈ રહ્યો છે. ગુજરાત માટે આ ગૌરવરૂપ ઘટના છે. આ ઓલિમ્પિક ગેમ્સમાં ૧૭૭ દેશના સાત હજાર ખેલાડીઓ ભાગ લેશે. આ સ્પર્ધા દર ચાર વર્ષે યોજાય છે. આ વર્ષે ગુજરાતના ૨૦ સહિત ભારતમાંથી ૨૪૧ ખેલાડીઓ જશે, જેનો સંપૂર્ણ ખર્ચ ભારત સરકાર આપે છે. ગુજરાતના ખેલાડીઓએ સ્પેશિયલ ઓલિમ્પિકમાં ૧૯૯૯થી આજ સુધીમાં ૩૭ મેડલ મેળવ્યા છે. વર્ષ ૨૦૧૧માં ઓસ્ટ્રેલિયામાં આયોજિત ઓલિમ્પિકમાં ૪૧ ખેલાડીઓએ ભાગ લીધો છે.