વડનગર: મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના સિપોર ગામના એક રિક્ષાચાલક તેમની રિક્ષામાં પાણીની ટાંકી ફિટ કરી મહેસાણા, બનાસકાંઠા, પાટણ અને હિંમતનગર જ્યાં વર્ધી મળે ત્યાં બારેમાસ મિનરલ, બરફ કે પછી સાદું પાણી પીવડાવી વિનામૂલ્યે લોકોની તરસ છિપાવી જળસેવાનું કાર્ય કરે છે.
સિપોર ગામના રિક્ષાચાલક દિલીપભાઇ જયંતીભાઇ રાવલ (ઉં. વ. ૫૬)ના પરિવારમાં પત્ની, ત્રણ દીકરી અને એક દીકરો છે. બાળકો ઠરીઠામ થયા પછી પણ દિલીપભાઈ રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવે છે.
દિલીપભાઇ જણાવે છે કે, ઉનાળાની ઋતુમાં પાણી માટે વલખાં મારતાં લોકોને જોઇને મને મનમાં થઇ આવ્યું કે, શા માટે રિક્ષાને જ પરબ ન બનાવી દઉં? એ પછી રિક્ષાના પાછળના ભાગે લગભગ ૧૦૦ લીટર પાણી સમાય તેવી ટાંકી ફિટ કરાવી હતી. પાણી પીવા માટે બે પાછળ અને એક ડ્રાઇવર સીટની બાજુમાં એમ ત્રણ નળ રિક્ષામાં મૂક્યા છે. ૨૦૧૨થી શરૂ કરેલી આ સેવા આજે પણ અવિરતપણે ચાલી રહી છે.
ઉનાળામાં પાણીની જરૂર વધુ રહે છે. દિવસમાં ૫૦૦ લીટર પાણી લોકો પીવે છે જ્યારે ચોમાસા, શિયાળામાં તેનાથી અડધું પાણી વપરાય છે. મિનરલ વોટર મળે તો પ્રથમ તેનો આગ્રહ રાખું છું. નહીતર બરફનું ઠંડું પાણી અને અંતરિયાળ વિસ્તારમાં પાણી ખલાસ થઇ જાય તો શુદ્ધ સાદું પાણી ટાંકીમાં ભરું છું. આ સેવાથી મને ખૂબ આત્મસંતોષ મળી રહ્યો છે.
દિલીપભાઇ કહે છે કે મારાં બધાં બાળકોનાં લગ્ન થઈ ગયાં છે અને તેઓ વેલસેટ છે. મારાં પત્ની જયાબહેન પણ આત્મનિર્ભરતામાં માને છે તેથી તેઓ સુરતમાં હીરાના વ્યવસાય સાથે સંકળાયેલાં છે.