વડગામઃ તાલુકા મથક વડગામમાં ફાઇનાન્સ કંપનીમાંથી લોકોના નામે લોન ઉઠાવી એક મહિલા રાતોરાત ગાયબ થતાં ભોગ બનેલાઓએ આંચકો અનુભવ્યો છે.
આ અંગે વિગતો મુજબ વડગામના દેવીપૂજક સમાજના મહોલ્લા પાસે પંચાલ પરિવારના મકાનમાં લલિતા સોની નામની યુવતી તેમના ગામથી પરિવાર સાથે સ્થાયી થઈ હતી. અંદાજે છેલ્લા ત્રણ ચાર વર્ષથી તે પાલનપુરસ્થિત એક ફાઈનાન્સ કંપનીના લોનના ડોક્યુમેન્ટ બનાવી જરૂરિયાતવાળા ગરીબ મધ્યમવર્ગના લોકોને ઊંચા વ્યાજે અને ફાઈલ ચાર્જથી લોન અપાવતી હતી, તેના હપ્તા કંપનીના માણસો ઉઘરાવતા હતા. આથી જરૂરિયાતવાળા લોકો લાલચમાં આવી લલીતા સોની અને તેના પતિને ડોક્યુમેન્ટ આપતાં છેલ્લા કેટલાક સમયથી તે સોની મહિલા લોકોના નામે લોનના લાખ્ખો રૂપિયા ઉપાડી ડોક્યુમેન્ટ આપનારને લોન રકમ આપવામાં ગલ્લાં તલ્લાં કરતી હતી. આખરે તે વડગામથી ઘરવખરી ભરી નાસી જતાં ગામમાં હોબાળો મચી ગયો છે. આ દરમિયાન ફાઈનાન્સ કંપનીના કર્મચારીએ લોનગ્રાહકો પાસે હપ્તાની માંગણી કરતા વધુ હોબાળો મચી ગયો હતો.
કંપનીના માણસોએ જણાવેલ કે લલીતા સોની લોકોના લોન કાગળ આપી રોકડ રકમ લઈ જતી હતી. વડગામમાં લાખ્ખોનું ફૂલેકું ફેરવનાર લલીતા સોની અને તેના પતિ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાના ચક્રો ગતિમાન કરાયા હોવાનું જાણવા મળ્યું છે.