મહેસાણા જિલ્લાના વડનગર ખાતે બે દિવસીય તાના-રીરી મહોત્સવનો ૧૯મી નવેમ્બરથી આરંભ થઈ ગયો હતો, જેમાં સિતારવાદન, શાસ્ત્રીય ગાયનની વિવિધ કૃતિઓ રજૂ થઈ હતી. આ પ્રસંગે રાજ્યનાં મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલ પણ ઉપસ્થિત રહ્યાં હતાં અને શ્રોતાઓ સાથે તેમણે સંગીતની સુરાવલીઓ માણી હતી. ગુજરાત રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા દર વર્ષે આ મહોત્સવનું આયોજન થાય છે અને આ કાર્યક્રમનું સ્તર વિશ્વ કક્ષાના સંગીત મહોત્સવ કક્ષાનું માનવામાં આવે છે. તાના રીરી સંગીત મહોત્સવ માણવા માટે રાજ્યભરમાંથી સંગીતરસિકો પધારે છે અને આ કાર્યક્રમમાં પોતાની કૃતિ રજૂ કરવી એને મહાન કલાકારો પણ પોતાનું સન્માન માને છે.
તાના રીરી સંગીત મહોત્સવ વડનગરની બે બહેનોની યાદમાં ઉજવાય છે. કવિ નરસિંહ મહેતાની દોહિત્રી શર્મિષ્ઠાની સુપુત્રીઓ તાના અને રીરીએ સંગીતની આરાધના કરીને સંગીત રાગ, રાગિણીઓ આત્મસાત કરી હતી. સમ્રાટ અકબરના નવ રત્નોમાંના એક એવા સંગીત સમ્રાટ તાનસેને પણ રાગ દીપક ગાવાથી ઉપડેલી દાહને વડનગરના શર્મિષ્ઠા તળાવને કિનારે સંગીતની કલાધારિણી બહેનો તાના-રીરીના મલ્હાર રાગથી દૂર કરી હતી. પોતાની કલાના સન્માન ખાતર તાના-રીરીએ આત્મબલિદાન આપ્યું હતું. જેની યાદમાં આજે પણ સંગીતજ્ઞો સૂરો આલાપતાં પહેલાં તાના-રીરીનું સ્મરણ કરીને ‘નોમતોમ તાના-રીરી’થી ગાયકીની શરૂઆત થાય છે.