અમદાવાદઃ દુનિયામાં ૨૫૦૦ વર્ષ જૂનાં હેરિટેજ સ્થળોમાં જેની ગણના થાય છે એવા વડનગરમાં એક્વેરિયન સબ મ્યુઝિયમ તૈયાર થઈ રહ્યું છે. કદાચ દુનિયામાં ચાઈનાના ટેરાકોટા મ્યુઝિયમની કક્ષાનું વડનગર બીજું મ્યુઝિયમ હશે તેવું પુરાતત્ત્વ ખાતાના સંશોધકોનું માનવું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મસ્થળ વડનગરમાં કેન્દ્ર સરકાર દ્વારા આ પ્રોજેક્ટ મંજૂર થયો છે. ચીન બાદ વિશ્વમાં વડનગર આવું બીજું હેરિટેજ શહેર બનશે કે જ્યાં ૨૫૦૦ વર્ષ જૂની સંસ્કૃતિના અવશેષો પ્રાપ્ત થયા છે અને તેને મ્યુઝિયમમાં રૂપાંતરિત કરાઈ રહ્યા છે, આ પ્રોજેક્ટ પાછળ અંદાજે ૫૦ કરોડ રૂપિયા જેટલી માતબર રકમ ખર્ચાવાનો અંદાજ છે.
કેન્દ્ર સરકાર તરફથી અભિજિત અંબેકર અને રાજ્ય સરકાર તરફથી સી. વી. સોમ અને ડો. વાય. સી. રાવતની સીધી દેખરેખ હેઠળ ૫ એકર જેટલી વિશાળ જગ્યાએ આ ઐતિહાસિક મ્યુઝિયમ પર છેલ્લા ૧ વર્ષથી કાર્ય ચાલી રહ્યું છે અને આ પ્રોજેક્ટને પૂર્ણ થતાં ૨થી ૩ વર્ષ લાગશે. પુરાતત્ત્વ ખાતાના સંશોધકોના જણાવ્યા પ્રમાણે વડનગરની નીચે મૌર્યકાળથી માંડીને આજ સુધી છ જેટલી નગરીઓ દટાયેલી છે અને ઉત્ખનન અને સંશોધનથી આ નગરીઓ દટાયેલી છે અને ઉત્ખનન અને સંશોધનથી આ નગરીઓના જૂના અવશેષો બહાર કાઢી લોકો સમક્ષ મ્યુઝિયમમાં એની એ જ સ્થિતિમાં અવલોકન માટે મુકાશે.
પ્રવાસીઓ માટેની સુવિધા માટે તેઓને માહિતી આપવા હેડમાઈકથી જે તે સમયના શહેરની કોમેન્ટ્રી સાંભળી શકાશે. જેની ડિઝાઈન ચીનના આ જ કક્ષાના મ્યુઝિયમ જેવી હશે. વડા પ્રધાન મોદી પોતાની પ્રથમ ટર્મ વખતે ચીનની મુલાકાતે ગયા ત્યારે ટેરેકોટા મ્યુઝિયમમાં પૌરાણિક અવશેષો નિહાળ્યા હતા અને ત્યારબાદ કેન્દ્ર સરકારના અધિકારીઓ સાથે વિચારવિમર્શ કરીને વડનગર ખાતે પણ આવું જ ઉચ્ચ કક્ષાનું મ્યુઝિયમ ઊભું કરવાનો વિચાર રજૂ કર્યો હતો. જેને હવે મૂર્તિમંત કરવાની કામગીરી ચાલી
રહી છે.