વડનગર: ઔતિહાસિક નગરી વડનગરમાં ઉત્ખનન દરમિયાન વધુ એક બૌદ્વસ્તૂપ (મંદિર) અને ચૈત્ય (પ્રાર્થનાગૃહ) મળી આવ્યાં છે. બંને સ્થાપત્ય ૨૦ બાય ૨૦ મીટરના અને બીજીથી પાંચમી સદીના હોવાનું અનુમાન છે. નોંધનીય છે કે, અગાઉ ઘાસકોળ દરવાજા નજીક બૌદ્વસ્તૂપ મળી આવ્યા બાદ રેલવે ફાટક પાસે માલ ગોડાઉનની બાજુમાંથી બીજો બૌદ્વસ્તૂપ મળી આવતાં પુરાતન વિભાગે વધુ સંશોધન હાથ ધર્યું છે.વડનગરના પેટાળમાં ધરબાયેલા ઇતિહાસને ઉજાગર કરવા પુરાતન વિભાગે કરેલા ઉત્ખનનમાં બોદ્વ ધર્મને લગતા ઘણા પુરાવા હાથ લાગી રહ્યા છે. હાલમાં રેલવે ફાટક પાસે આવેલા સરકારી માલ ગોડાઉન પાસે ઉત્ખનન ચાલી રહ્યું છે જ્યાં અગાઉ મહાકાય માટલા, બૌદ્વભિક્ષુકનું હાડપિંજર સહિતના અવશેષો મળી આવ્યાં છે. નોંધનીય કે, વડનગરમાં ૧૦ જેટલા બૌદ્વસ્તૂપ ધરબાયેલા હોવાનું અનુમાન છે. ત્યારે બે સ્તૂપ શોધી કાઢવામાં સફળતા મળી છે. અગાઉ આ બૌદ્વ સ્તૂપ ખંડિત હતા.