ખેરાલુ: વતન વડનગરમાં વડા પ્રધાન નરેન્દ્રભાઈના પિતા જે દુકાન ચલાવતા તે સાઠ વર્ષ પછી જમીનદોસ્ત કરાઈ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પિતા દામોદરદાસ મૂળચંદદાસ મોદીને આજથી સાઠ વર્ષ અગાઉ નાગરિક મંડળના ટ્રસ્ટીઓએ વડનગર રેલવે સ્ટેશન પાસે દુકાન માટે જમીન ભાડે આપી હતી. દામોદરદાસનાં પત્ની હીરાબહેન દામોદાસ મોદીએ તે દુકાન ૧૧-૨-૧૯૯૩ના રોજ પેટા ભાડુઆતને આપી હતી. આ દુકાન શરતભંગના કેસમાંની ૧૪ દુકાનો પૈકીની એક હોવાથી તાજેતરમાં તે તોડી પાડવામાં આવી હતી.
આ અંગે સરકારી દસ્તાવેજો પ્રમાણે દ્વારકાદાસ જોષીએ વડનગર નાગરિક મંડળને કેટલીક મિલકત ભેટમાં આપેલ હતી. આજથી ૬૦ વર્ષ પહેલાં નાગરિક મંડળના ટ્રસ્ટીઓએ તે જમીન વડનગરના રહીશોને ભાડે આપી હતી. જેમાં વડા પ્રધાન નરેન્દ્રભાઈના પિતા દામોદરદાસ મૂળચંદદાસને પણ દુકાન મળી હતી. એ દુકાન ૧૧-૨-૧૯૯૩એ જગદીશભાઈ જયંતીલાલ પ્રજાપતિને રૂ. દસ હજારની કિંમતે પેટા ભાડે અપાઈ હતી. આ ઉપરાંત આ દુકાન પેટેના કુલ રૂ. દસ હજાર બાકી નાગરિક મંડળને લેણા નીકળતાં હોવાથી તેમજ જમીન પેટા ભાડુઆત તરીકે જગદીશભાઈને વારંવાર નોટિસ મળ્યાં છતાં યોગ્ય જવાબ ન મળતાં આ પ્રકારની ૧૪ દુકાનો પૈકીની આ એક દુકાન પણ તોડી
પડાઈ છે.