વડનગરઃ તાના રીરી મહોત્સવ-૨૦૧૬ના સમાપનના દિવસે વડનગર ખાતે શર્મિષ્ઠા તળાવ ઉપર ૧૦મીએ સાંજે ૬૪૦ જેટલા વાદકોએ સતત પાંચ મિનિટથી વધુ સમય સુધી હાર્મોનિયમ ઉપર વંદેમાતરમની ધૂન વગાડી હતી અને છેલ્લે રાષ્ટ્રગીતના ગાન સાથે કાર્યક્રમ સંપન્ન કર્યો હતો. જેને ગિનિઝ વર્લ્ડ બુકની ટીમે નોંધ લઇ ગિનિઝ વર્લ્ડ બુકના અધિકારી રૂષિનાથે નવો વિશ્વવિક્રમ સ્થપાયાની જાહેરાત કરીને મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને તેનો એવોર્ડ અર્પણ કર્યો હતો. જે હાર્મોનિયમ વાદકોએ વડનગરને ગિનિઝ બુકમાં સ્થાન અપાવ્યું છે, તેમાં સૌથી નાની ઉંમરના ૩ કુમાર વાદકો બે કન્યા વાદકો અને સોથી મોટી ઉમરના ૭૬ થી ૮૬ વર્ષના બે અને ૧૫ જેટલા પ્રજ્ઞાચક્ષુ વાદકોનો સમાવેશ થાય છે. અગાઉનો ગિનિઝ બુકનો રેકોર્ડ ૨૫૦ વ્યક્તિનો હતો.
રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે શાસ્ત્રીય ગાયનવાદન ક્ષેત્રે પ્રતિષ્ઠા પ્રાપ્ત સંગીતજ્ઞોને તાના રીરી પુરસ્કાર એનાયત કરાય છે.
આ વર્ષનો તાના રીરી સંગીત સન્માન એવોર્ડ મંજુબહેન મહેતા તેમજ ડો. લલિત રાવ મહેતા (બેંગ્લોર)ને મુખ્ય પ્રધાનના હસ્તે અર્પણ કરાયા હતા.
મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ સમારોહનું સમાપન કરતાં ભારતીય સંગીત સંસ્કૃતિની મહત્તા વર્ણવતા જણાવ્યું કે આપણું હિન્દુસ્તાની સંગીત મનને ડોલાવનારું સંગીત છે.