વડનગરઃ વડનગરના અમરથોળમાં ચાલી રહેલા ઉત્ખનન દરમિયાન ૨ મીટર વ્યાસ ધરાવતું ગોળાકાર સંરચનાવાળું પૌરાણિક દિશાસૂચક સ્ટ્રક્ચર મળી આવ્યું છે. અસામાન્ય ઇંટોથી બનેલું આ સ્ટ્રક્ચર દેશમાં પ્રથમવાર અહીંથી મળી આવ્યું હોઇ પુરાતત્વ વિભાગ પણ આ સ્ટ્રક્ચર કઇ સદીનું છે તેના સંશોધનમાં લાગ્યો છે. પ્રોટોનાગરી લીપીમાં આ સ્ટ્રક્ચર ઉપર દિશાઓ લખી હોવાનું જણાય છે. ૧૧મી સદીમાં આ સ્થાપત્યની રચના થઇ હોવાનું અનુમાન છે. આનો ઉપયોગ અન્ય સ્થળે જવા માટે થતો હોઇ શકે. કારણ વડનગર એ અન્ય રાજ્યો કે પ્રદેશોમાં જવાનો મુખ્ય રસ્તો હતો. ૨૦૦૦ વર્ષ જૂની નગરી શોધવા વડનગરમાં ચાલતા ઉત્ખન્નમાં સ્થાપત્યો, અવશેષો, બૌદ્ધસ્તૂપ, માટીનાં વાસણો વગેરે મળી આવ્યા છે.
કલાત્મક સ્ટ્રક્ચર
અમરથોળ પાસે ખોદકામ દરમિયાન આ સ્ટ્રકચરની ઇંટો પર ત્રણ સીધી રેખાઓ દર્શાવાઇ છે. જે પૌરાણિક ગ્રંથ આધારિત છે. ત્રણ દૈવી શક્તિઓને લગતી ત્રણ રેખાઓ દોરેલી છે. આ માટે પુરાતત્વ વિભાગ સંશોધન કરી રહ્યો છે. આ અદભુત સ્ટ્રક્ચરને લઇ લોકોમાં પણ ઉત્કંઠા જોવા મળી રહી છે.
માનવકંકાલ મળ્યા
ખોદકામ દરમિયાન અહીંથી મોટી સંખ્યામાં માનવકંકાલ પણ મળી આવ્યા છે. ઇતિહાસકારો કહે છે કે, મૈત્રકકાળથી સોલંકીકાળ દરમિયાન અહીં માનવ વસવાટ થયો હશે તેવા પુરાવા મળે છે. એ પછી આ સ્થળ છોડી દેવાયું હતું. ત્યાર બાદ ૧૯મી સદીમાં આ ભૂમિનો સ્મશાન તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હોઈ શકે છે.
આ માનવ કંકાલ ૧૯મી સદીના હોઇ શકે છે. વડનગરમાં દરબાર વિસ્તારમાં ખોદકામ દરમિયાન ૪૦ ફૂટ પછી પાણી પમળી આવ્યું છે.