વડનગરઃ ઐતિહાસિક નગર વડનગરમાં કરાયેલા ઉત્ખનન દરમિયાન પુરાતન વિભાગને બૌદ્ધ સ્તૂપ, પ્રાચીન સ્થાપત્યો, બૌદ્ધ મૂર્તિ તેમજ મૈત્રક શાસકનું તામ્રપત્ર સહિતના અવશેષો મળી આવ્યાં છે. નગરની ઓળખ બની ગયેલા આ અવશેષોને હવે દિલ્હી લઈ જવાની પેરવી કરાઈ રહી છે. તંત્ર દ્વારા મૂર્તિઓના માપ પણ લઈ લેવાયા છે. એક બાજુ વડનગરને ટુરિસ્ટ પોઈન્ટ બનાવવા પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે ત્યારે બીજી બાજુ આ અવશેષોને વડનગરમાંથી ખસેડવા માટેના જે પ્રયાસો થઈ રહ્યા છે તેનો સ્થાનિક લોકો વિરોધ કરી રહ્યા છે. અભ્યાસ કરવાના બહાને હેઠળ નેશનલ મ્યુઝિયમમાં પ્રદર્શન માટે મુકવા અવશેષોને વડનગરથી ખસેડવામાં આવનાર છે. બીજી બાજુ રાજ્ય સરકાર દ્વારા આ સ્થાપત્યોની જાળવણી માટે અને અહીં આવતા પર્યટકોને જાણકારી મળે તે માટે વડનગરમાં રૂ. આઠ કરોડના ખર્ચે હાઇવે પર બીજું મ્યુઝિયમ બનાવી રહી છે. આ સ્થાપત્યોને દિલ્હી લઈ જવાશે તો આ મ્યુઝિયમ શોભાના ગાંઠિયા સમાન બની રહેશે. હાલમાં દરબારમાં આવેલા મ્યુઝિયમમાં મૂર્તિઓ, મૈત્રક શાસકનું તામ્રપત્ર-અવશેષો સચવાયા છે.
જ્યાંનો વારસો ત્યાં જ રહે
આ અંગે પ્રો. રણજીતસિંહ રાઠોડે જણાવ્યું હતું કે વડનગરમાંથી નીકળેલી વસ્તુઓ નહીં રહે તો અહીં આવતા પર્યટકોને કેવી રીતે સમજાવી શકાશે. નગરનો વારસો અહીં જ રહેવો જોઈએ. જે વારસો જે સ્થળેથી મળ્યો હોય ત્યાં જ રહે તો તેની મહત્તા સમજાય.
વડા પ્રધાનને રજૂઆત
આ અંગે મુસ્લિમ સમાજના અગ્રણી ભૂરાભાઈએ જણાવ્યું હતું કે, વડનગરના અવશેષો જતા રહેશે તો એનું કોઈ મહત્ત્વ નહીં રહે. આ માટે વડા પ્રધાનને પણ રજૂઆત કરવામાં આવશે.