વડનગરમાંથી ૨૦૦૦ વર્ષ જૂના બે બૌદ્વકક્ષ મળ્યા

Wednesday 29th July 2020 07:32 EDT
 
 

વડનગર: વડનગરમાં લોકડાઉન પછી પુરાતન વિભાગ દ્વારા પુન: ઉત્ખનન કામગીરી હાથ ધરાઈ છે. જ્યાં બોદ્ધધર્મ સંબંધી અવશેષો મળી રહ્યા છે. સિવિલ હોસ્પિટલ નજીક રેલવે ફાટકને અડી ૨૦૦૦ વર્ષ જૂના બે બાય ૩ મીટરના બે બૌદ્ધકક્ષ અને બૌદ્ધવિહાર હોવાની પ્રતીતિ કરાવતી ૨ મીટર ઊંડી અને ૧ મીટર પહોળી ચાર દીવાલો મળ્યાં છે. હાલમાં પુરાતન વિભાગે આ અવશેષોને લઈ સંશોધન શરૂ કર્યું છે. નોંધનીય છે કે, બૌદ્ધકક્ષનો સમૂહ ધરબાયેલો હોવાનું મનાય છે.
વડનગરમાં સિવિલ હોસ્પિટલ નજીક અગાઉ ખોદકામ દરમિયાન બૌદ્ધ ભિક્ષુકનું હાડપિંજર મળ્યું હતું. તેવામાં પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીની લાઈન નાખવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે જમીન નીચે મોટી દીવાલ મળી આવતાં તેમણે પુરાતન વિભાગને જાણ કરી હતી. આથી પુરાતન વિભાગ દ્વારા વધુ ખોદકામ કરાતાં ૨૦૦૦ વર્ષ જૂના બે બૌદ્ધકક્ષ અને ૨ મીટર ઊંડી અને ૧ મીટર પહોળી ચાર દીવાલો મળી હતી. જેના પરથી કહી શકાય કે અહીં બૌદ્ધ લોકોનો આશ્રય હોઈ શકે. તેની આજુબાજુ વિહાર કરવા માટે રૂમો હોઈ શકે.
વધુ એક બૌદ્ધવિહાર મળવાની આશા
અગાઉ ઘાંસકોળ દરવાજા નજીક ખોદકામ દરમિયાન બૌદ્ધવિહાર મળી આવ્યો છે. ત્યારે રેલવે ફાટક નજીક મળી આવેલા અવશેષો પરથી પુરાતન વિભાગ અનુમાન લગાવી રહ્યો છે કે અહીં ૩૦ થી ૪૦ મીટર ઉત્તર અને દક્ષિણ અને ૮૦ થી ૧૦૦ મીટર પૂર્વ પશ્ચિમ વિસ્તારમાં ફેલાયેલો બૌદ્ધવિહાર ફેલાયેલો હોવો જોઈએ.
ઉલ્લેખનીય છે કે વડનગરમાં આ પહેલાં તાજતેરમાં જ ઉત્ખનન દરમિયાન બૌદ્ધમુનિઓના ગુંબજ મળી આવ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter