વડનગર: શહેર અને આજુબાજુના વિસ્તારોમાં તાજેતરમાં ઉત્ખનનની કાર્યવાહી ચાલી રહી છે. તાજેતરમાં વડનગરના અમરથોળ દરવાજા નજીક પુરાતત્ત્વ વિભાગના ઉત્ખનન દરમિયાન ૨૦૦૦ વર્ષ જૂનો ૧૨થી ૧૪ મીટરનો કોટ અને ૧૦૦૦ વર્ષ જૂના અવશેષો મળી આવ્યા છે. અહીંથી ચાંદી, તાંબા-પિત્તળના સિક્કા, માટીના વાસણો, માટીના મણકા, શંખની કલાત્મક બંગડીઓ પણ મળતાં લોકોમાં કુતૂહલ સર્જાયું છે. અહીંથી આ ઉપરાંત ગાયકવાડ અને સોલંકીકાળની ઈમારતો અને મકાનો પણ નીકળ્યાં છે.
વડનગરના અમરથોળ નજીક જ વર્લ્ડ કલાસ અન્ડરગ્રાઉન્ડ મ્યુઝિયમ બનવા જઇ રહ્યું છે. અહીં પુરાતન વિભાગ દ્વારા નગરના પેટાળનાં ધરબાયેલા ઇતિહાસને ઉજાગર કરવા સતત ઉત્ખનન ચાલે છે. અહીંથી ૨૦૦૦ વર્ષ જૂનો કોટ મળતાં કોટને ૫૦ મીટર જેટલો ખુલ્લો કરાયો છે.
આ અંગે પુરાતન વિભાગે કહ્યું કે, હજુ પણ વડનગરનો ઇતિહાસ પેટાળમાં ધરબાયેલો છે. જ્યાં સુધી અવશેષો મળશે ત્યાં સુધી ખોદકામ કરવાનું છે. આગામી સમયમાં કિંમતી અવશેષો મળવાની પણ આશા છે.