ગાંધીનગરઃ નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા બાદ પ્રથમ વખત પોતાના વતન વડનગર આવી રહ્યા છે. તેઓ જૂનમાં વડનગર આવશે અને અહીં લોકાર્પણના કાર્યક્રમો અને જાહેર સભા સંબોધે તેવી શક્યતા છે. ૨૧ અને ૨૨મી મેના રોજ ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાનારી આફ્રિકન ડેવલપમેન્ટ બેન્કની જનરલ મિટિંગમાં તેઓ હાજરી આપશે. જ્યારે વડનગરના કાર્યક્રમની તારીખ હજુ નક્કી થઈ શકી નથી.
નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે કહ્યું કે, વડનગરમાં તેઓ મેડિકલ કોલેજના લોકાર્પણ ઉપરાંત કેન્દ્ર સરકારે હાથ ધરેલા પ્રોજેક્ટ શર્મિષ્ઠા તળાવના વિકાસ કામો અને રેલવે સ્ટેશનના રીડેવલપમેન્ટ પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. નરેન્દ્ર મોદીએ પોતાનું બાળપણ અને યુવાવસ્થા વડનગરમાં વિતાવ્યું છે.