વડનગર: વડા પ્રધાન મોદીના વતન વડનગરની કાયાપલટ માટેની કવાયત હાથ ધરાઈ રહી હોવાની જાહેરાત તેમના જન્મદિને ૧૭મી સપ્ટેમ્બરે કરાઈ હતી. વડનગરના વિકાસ માટે ડ્રીમ પ્રોજેક્ટરૂપે એથેન્સના ‘એક્રોપોલિસ’ મ્યુઝિયમની રાહ પર જમીનથી ૭ માળ નીચે વિશ્વનું બીજું સૌથી મોટું અદ્યતન ‘હેરિટેજ મ્યુઝિયમ’ તૈયાર કરાશે તેવી જાહેરાત વડા પ્રધાનના જન્મદિને થઈ હતી. આ ઉપરાંત તાના-રીરી સંગીત એકેડેમી, યુનિવર્સિટી, યોગ સ્કૂલ અને વિશ્વ સ્તરની સુવિધા ધરાવતું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ૭૦ તળાવોને ડેવલપ કરીને ઉદેપુરની જેમ ગુજરાતનું સૌ પ્રથમ ‘લેક સિટી’ બનાવવામાં આવશે. તેવું પણ જાહેર કરાયું હતું. આ મ્યુઝિયમ તૈયાર થયા પછી દેશ-વિદેશના પ્રવાસીઓ માટે વડનગર આકર્ષણનું કેન્દ્ર બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા રૂ. ૨૦૦ કરોડની ફાળવણી કરાઈ છે.
જમીન સંપાદનની કામગીરી
વિશ્વકક્ષાનું મ્યુઝિયમ બનાવવા માટે જમીન સંપાદનની કામગીરી પર વિચારણા ચાલે છે અને ૨૦૨૧ના પ્રારંભમાં બાંધકામની કામગીરી શરૂ કરાશે. આ હેરિટેજ મ્યુઝિયમ ગ્રીસના એથેન્સના સુપ્રસિદ્ધ એક્રોપોલિસ ‘બિનેથ ધ સર્ફેસ’ એટેલે કે જમીનની અંદર બનાવાશે. વડનગરની ઓળખ સમાન ગાયિકા બહેનો તાના- રીરીની યાદમાં અહીં સંગીત એકેડેમી શરૂ કરાશે અને તે માટે રૂ. ૧૦ કરોડ ફાળવાશે. આગામી દિવસોમાં ફુલ-ફ્લેજ્ડ સંગીત યુનિવર્સિટી શરૂ કરવાનું પણ આયોજન સરકારનું છે.
મોદી જે સ્કૂલમાં ભણ્યા ત્યાં યોગસ્કૂલ
વડા પ્રધાન મોદીએ જે સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો તે એ.બી.એન. હાઈસ્કૂલમાં યોગસ્કૂલ બનાવાશે અને વિદ્યાર્થીઓને યોગાસનો ઉપરાંત યોગમાં વ્યવસાયલક્ષી માર્ગદર્શન અપાશે. ઈન્ડોર સ્પોર્ટ્સ કોમ્પલેક્સનું કામકાજ મે, ૨૦૨૧માં પૂરું થશે.
નાનાં-મોટાં ૭૦ તળાવોનું ડેવલપમેન્ટ
વડનગરની ફરતે નાનાં-મોટાં ૭૦ તળાવો આવેલા છે. આ તમામ તળાવોને ડેવલપ કરવાનું આયોજન કરાયું છે. આ તમામ તળાવોને ડેવલપ કરીને ‘ઝીલોં કી નગરી’ તરીકે ઓળખાતા ઉદેપુરની જેમ વડનગરને ગુજરાતનું ‘લેક સિટી’ બનાવાશે. વડનગરમાં અદ્યતન રેલવે
સ્ટેશન બનાવાશે. હાલમાં શર્મિષ્ઠા તળાવને ડેવલપ કરાયું છે.