ગાંધીનગર: વડા પ્રધાન નરેન્દ્ર મોદીની જન્મભૂમિ વડનગરને રાજ્યના પહેલા ડિજિટલ તાલુકા તરીકે વિકસાવવાનું વિજય રૂપાણી સરકારે નક્કી કર્યું છે. કેન્દ્રના મિશન મોડ-ડિજિ-ગામ પ્રોજેક્ટ હેઠળની આ યોજના દેશમાં સૌથી પહેલી ગુજરાતમાં સાકાર કરવા રાજ્યના પંચાયત વિભાગના સંકલનમાં વિઞ્જાન પ્રૌદ્યોગિક, શિક્ષણ, આરોગ્ય જેવા વિભાગો ઝડપી કવાયત કરી રહ્યાં છે.
વડનગર તાલુકાના તમામ ૪૩ ગામોમાં આ પ્રોજેક્ટ હેટળ ટેલિ-મેડિસિન સેવા દ્વારા સુપર સ્પેશિયાલિટી આરોગ્ય સુવિધા, ટેલિ એગ્રી સપોર્ટ સેવા દ્વારા કૃષિવિષયક તમામ જાણકારી સહાય તથા ટેલિ એજ્યુકેશન સેવા દ્વારા વિદ્યાર્થીઓને કેન્દ્રીય વિદ્યાલયોના શિક્ષકોનું ટ્યૂશન ઉપલબ્ધ કરાશે. જ્યારે સ્કિલ સેન્ટર દ્વારા સ્થાનિક રોજગારી માટે ઔદ્યોગિક એકમો સાથે લિંક-અપ ગોઠવાશે. તદુપરાંત પ્રત્યેક ગામમાં સોલાર ઊર્જા ઉત્પાદન માટે પેનલો ગોઠવાશે અને ૫૬ ઈંચનું એલઈડી ટીવી જાહેર જનતા માટે મુકાશે.
સૂત્રો કહે છે કે અત્યારે રાજ્યની તમામ ગ્રામ પંચાયતોમાં વી-સેટના માધ્યમથી ઈન્ટરનેટ કમ્પ્યૂટર સેવા ઉપબલ્ધ છે. એટલે આ નેટવર્કથી ડિ.ગામની નવી યોજના કદાચ દેશમાં સૌ પ્રથમ ગુજરાત ખાતે સાકાર થશે. બાદમાં નેશનલ ઓપ્ટિકલ ફાઇબર નેટવર્કનો ઉપયોગ આ પ્રોજેક્ટમાં થશે. દિવાળી પહેલાં આ પ્રોજેક્ટ પાર પાડવાનું નક્કી થયું હોવાનું જણાવાઈ રહ્યું છે. સૂત્રો કહે છે કે, દેશના દરેક રાજ્યમાં એક ડિજિ. ગામ પ્રોજેક્ટ પાઇલટ ધોરણે ફાળવાયો છે. જે પૈકી વડનગરની પસંદગી રાજ્ય સરકારે કરી છે.