હિંમતનગર, બડોલી: ભાજપના વરિષ્ઠ નેતા અને રાજકોટ બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલી ટિપ્પણી હજુ પણ ભાજપ માટે માથાનો દુ:ખાવો બની ગઈ છે. ક્ષત્રિયોએ જયાં સુધી લોકસભાની ચૂંટણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી ગામેગામ ભાજપનો વિરોધ કરવાની હાકલ કરી છે. આ દરમિયાન રવિવારે વડાલી ખાતે ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન યોજાયું હતું ત્યારે સ્થાનિક પોલીસે મહાકાલ સેનાના અધ્યક્ષને ભવાનગઢ ખાતેના નિવાસસ્થાનેથી ઉઠાવી લેતા ક્ષત્રિય સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. સમાજના આગેવાનો તેમજ યુવાનો ભાજપના બેરિકેડ હટાવીને કાર્યાલયમાં ઘૂસ્યા હતા અને સ્થાનિક ધારાસભ્યને પણ ધક્કે ચડાવ્યા હતા. ક્ષત્રિય સમાજના આગેવાનો અને યુવાનોએ કાર્યાલયનો ઉદ્ઘાટન પ્રસંગ હતો ત્યાં પહોંચી જઈને રૂપાલા હાય હાયના નારા લગાવ્યા હતા તેમજ ધારાસભ્ય અને વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ રમણલાલ વોરાને ધક્કે ચઢાવી દેતાં મામલો તંગ બની ગયો હતો.